• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

રાધનપુરમાં બંદૂકના નાળચે PSI દ્વારા યુવતીના અપહરણનો પ્રયાસ

ગ્રામજનોએ પકડયો છતાં પોલીસ સ્ટેશનમાંથી ચકમો આપીને નાસી છુટયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.17: પાલનપુરમાં કાયદાના રક્ષકે જ ભક્ષક બનીને કાયદો હાથમાં લીધો હોવાની ચોંકાવનારી ઘટના ઘટી છે. બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે PSIએ બંદૂકની અણીએ 22 વર્ષીય યુવતીને ધમકી આપી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ બાબતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતો અને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આજાપુરા મોટા ગામનો પ્રવિણ મોરી ગુરુવારે રાત્રે ગઢ પોલીસ લાઈન ખાતે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખુલતા જ યુવતીને  પિસ્તોલ તાકી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું અને નહીં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. યુવતીનો હાથ પકડી તેને ઢસડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા તેનો ભાઈ અને અન્ય લોકો આવી પહોચતા PSIને પકડીને ગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 

આરોપી પ્રવીણભાઈ મોરી લઘુશંકાનું બહાનું કાઢીને ગઢ પોલીસ સ્ટેશનમાંથી પણ નાસી છૂટયો હતો. હાલમાં ગઢ પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર PSI મોરીને ઝડપી લેવા તપાસ ઉચ્ચ અધિકારીને સોંપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક