અલુર, તા.18 : રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની બીજી મેચ કર્ણાટક સામે અલુર કેએસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રે ટોસ જીતીને કર્ણાટકને પ્રથમ બાટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ કેપ્ટન જયદેવ ઉનડકટ અને સ્પિનર પાર્થ ભૂતની ધારદાર બાલિંગ સામે કર્ણાટકની ઇનિંગ્સ ધબડકા ભણી આગળ વધી હતી. જોકે, નીચલા ક્રમે મનવંત કુમારની અણનમ 86 રનની આક્રમક પારીના દમ પર કર્ણાટકે પ્રથમ દિવસના અંતે 86 ઓવરમાં 8 વિકેટે 281 રન બનાવી સ્થિતિ આંશિક રીતે સંભાળી લીધી છે.
ટોસ હારીને મેદાનમાં ઊતરેલી કર્ણાટક ટીમ પ્રારંભથી
જ સૌરાષ્ટ્રના ઝડપી બાલિંગ સામે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કેપ્ટન જયદેવ ઉનડકટે રોહન
પાટિલને 6 રને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. ત્યારબાદ ચેતન સાકરિયાએ વિજયકુમાર વૈશાકને
માત્ર 1 રને ક્લીન બોલ્ડ કરી કર્ણાટક પર દબાણ વધાર્યું હતું. અનુભવી મયંક અગ્રવાલ (42
રન, 83 બોલ) અને કેવી અનીશે (59 રન, 96 બોલ) બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ
ઉનડકટે અગ્રવાલને પેવેલિયન ભેગો કરીને ભાગીદારી તોડી હતી.
મિડલ
ઓર્ડરમાં કરુણ નાયરે 57 બોલમાં 9 ચોગ્ગાની મદદથી ઝડપી 46 રન ઉમેર્યા હતા પરંતુ પાર્થ
ભૂતે તેને હેત્વિક કોટક કરફથે કેચ કરાવીને મોટી ઇનિંગ રમતા અટકાવ્યો હતો. આઠમા ક્રમે
આવેલા મનવંત કુમારે વળતી લડત આપી હતી. તેણે 124 બોલનો સામનો કરીને અણનમ 86 રન બનાવ્યા
હતા. દિવસના અંત સુધીમાં તેને અભિલાષ શેટ્ટીનો મજબૂત સાથ મળ્યો હતો, જેના પરિણામે બન્ને
વચ્ચે અંતિમ વિકેટો માટે મહત્ત્વની ભાગીદારી નોંધાઈ હતી.
સૌરાષ્ટ્ર
તરફથી સુકાની જયદેવ ઉનડકટે અને સ્પિનર પાર્થ ભૂતે 3 - 3 વિકેટ ઝડપી હતી. ડાબોડી પેસર
ચેતન સાકરિયાએ 2 વિકેટ પોતાનાં નામે કરી હતી. પ્રથમ દિવસના અંતે રમત અટકી ત્યારે કર્ણાટક
281/8 પર સ્થિર છે, જ્યારે સૌરાષ્ટ્ર બીજા દિવસે બાકીની બે વિકેટો ઝડપથી ખેરવી પ્રથમ
દાવમાં બાટિંગથી મોટો સ્કોર ઊભો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.