• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા

બેંગલુરુ, તા. 18 : ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટી20 મેચમાં ઈશાન કિશને માત્ર 10 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝંઝાવાતી 30 રન ફટકારીને કિશને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભારતીય ટીમના સાથી સૂર્યકુમાર યાદવનાં નામે નોંધાયેલા બે મોટા વૈશ્વિક વિક્રમો તોડી નાખ્યા છે. વેસ્ટઇન્ડિઝના બાલિંગ આક્રમણ સામે ફટકારેલા 3 ચોગ્ગા સાથે જ ઈશાન કિશન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફૂલ મેમ્બર દેશો વચ્ચે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારો વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેણે મોહમ્મદ રિઝવાનનો 5 વર્ષ જૂનો વિક્રમ તોડયો છે, જેણે વર્ષ 2021માં કુલ 119 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને વર્ષ 2026માં અત્યાર સુધીમાં 122 ચોગ્ગા ફટકારીને આ યાદીમાં ટોચનું સ્થાન કબજે કર્યું છે. આ ચાર્ટમાં ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ (2025માં 109 ચોગ્ગા) ત્રીજા ક્રમે, સૂર્યકુમાર યાદવ (2022માં 106 ચોગ્ગા) ચોથા ક્રમે અને પાકિસ્તાનનો બાબર આઝમ (2021માં 99 ચોગ્ગા) પાંચમા ક્રમે આવે છે.

આ સાથે જ ઈશાન કિશને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક બાઉન્ડ્રીઝ (ચોગ્ગા અને છગ્ગા સંયુક્ત રીતે) ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાનાં નામે કરી લીધો છે. તેણે સૂર્યકુમાર યાદવનો 2022નો 174 બાઉન્ડ્રીઝનો વિક્રમ પાછળ છોડી દીધો છે. ઈશાને વર્ષ 2026માં રમેલી 34 મેચોમાં 177 બાઉન્ડ્રીઝ ફટકારીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક