-રાજ્યમાં
પાંચ ફ્લાઇંગ ટ્રાનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત, વધુ પાંચ શરૂ થશે
-અત્યાર
સુધીમાં 5,200 એવિયેશન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, 3,200 કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ
ધારકો તૈયાર કર્યા છે, 200થી વધુ ભાવિ પાઇલટોને તાલીમ અપાઇ રહી છે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.6 : કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે. ભારતનું સિવિલ એવિયેશન
ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય એરલાઇનોએ સંયુક્ત રીતે આશરે 1,700 નવા વિમાનોના
ઓર્ડર આપ્યા છે, જેનાં પરિણામે આગામી વર્ષોમાં અંદાજે 25,000થી 30,000 કોમર્શિયલ પાઇલટોની
માગ ઊભી થવાની શક્યતા છે. આ તકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સિવિલ એવિયેશન વિભાગ
અને ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ મારફતે વિશ્વસ્તરીય પાઇલટ
તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રાનિંગ ઓર્ગેનાઇઝેશન
(એફટીઓ) કાર્યરત છે. તેમાંથી ચાર રાજ્ય માલિકીની મહેસાણા અને અમરેલી એરસ્ટ્રિપો પર
કાર્યરત છે. જ્યારે એક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર
ભાવનગર એરપોર્ટ ખાતે કાર્યરત છે. આ કાર્યરત એફટીઓમાં મહેસાણા ખાતે સ્કાયનેક્સ એરો પ્રા.
લિ અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ., અમરેલી ખાતે વિઝન ફ્લાઇંગ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ
અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ તથા ભાવનગર ખાતે દુનેસ એવિયેશન પ્રા.લિનો સમાવેશ થાય છે.
હવે,
વધુ પાંચ ફ્લાઇંગ ટ્રાનિંગ ઓર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં કાર્યરત થશે. આ તમામ સંસ્થાઓ કાર્યરત
થયા બાદ ગુજરાતમાં કુલ 10 ફ્લાઇંગ ટ્રાનિંગ ઓર્ગેનાઇઝેશનનું નેટવર્ક હશે. જે ગુજરાતને
ભારતના સૌથી મોટા રાજ્યસ્તરીય પાઇલટ તાલીમ ઇકો સિસ્ટમમાંનું એકમ બનાવશે. સિવિલ એવિએશનનું
મજબૂત માળખું તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રાનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે.
ગુજરાતમાં
ફ્લાઇંગ ટ્રાનિંગ ઓર્ગેનાઇઝેશનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 5,200થી વધુ એવિયેશન વિદ્યાર્થીઓને
તાલીમ આપવામાં આવી છે. 3,200થી વધુ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ ધારકો તૈયાર થયા છે. આ
માળખા હેઠળ રાજ્ય માલિકીના એરપોર્ટ અને એરસ્ટ્રિપો પર આશરે 1,500 ચોરસ મીટર જમીન પારદર્શક
બાડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે.
અનુકૂળ હવામાનથી ગુજરાતને વધારાનો લાભ
એવિયેશન
તાલીમ ક્ષેત્રે ગુજરાતને અનેક પરિબળો સ્પર્ધાત્મક લાભ આપે છે. રાજ્યમાં આખું વર્ષ ફ્લાઇંગ
માટે અનુકૂળ હવામાન પૂરું પાડે છે. એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સનું વ્યાપક નેટવર્ક છે.
રાજ્ય પાસે માલિકીનું એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. વળી, મજબૂત ઔદ્યોગિક અને
લોજિસ્ટિક્સ સપોર્ટ, ઉત્તમ માર્ગ જોડાણ તથા રોકાણકારોને અનુકૂળ નીતિ ઉપલબ્ધ છે.