ભાવનગરથી
અલંગ કામે જતા સાત કર્મચારીઓની કાર સર્વિસ રોડ પર ઊભેલા ટ્રેલર પાછળ ઘૂસી; છના ઘટનાસ્થળે
અને એકનું સારવાર દરમિયાન મૃત્યુ
તળાજા,
તા.6: તળાજા-ભાવનગર હાઈવે પર ત્રાપજ નજીક ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી
અલંગ ખાતે નોકરી માટે જઈ રહેલા સાત કર્મચારીઓની બોલેરો સર્વિસ રોડ પર ઊભેલા ટ્રેલર
પાછળ ધડાકાભેર અથડાતા એક જ પરિવાર સમાન સાત સાથીદારોમાંથી છના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ
નીપજ્યા હતા, જ્યારે એકનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એકસાથે સાત
જિંદગીઓનો અંત આવતાં ભાવનગરથી લઈને અલંગ સુધી શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી વિગતો મુજબ, ભાવનગરથી બોલેરોમાં સવાર સાત કર્મચારીઓ
રાજિંદા ક્રમ મુજબ અલંગના પ્લોટ નં. 138 અને 24-બી ખાતે ફરજ બજાવવા નીકળ્યા હતા. ત્રાપજ
ગામ નજીક હાઈવે પર આવેલી હોટલ પાસે સર્વિસ રોડ પર ઊભેલા ટ્રેલરની પાછળ બોલેરો પૂરઝડપે
અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર છ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી
દીધો હતો. મૃતકોમાં વિજયકુમાર ચંદુલાલ વોરા (68), હિરેનકુમાર મહેશભાઈ મહેતા (56), ભાર્ગવપરી
વિલાસપરી ગોસાઈ (32), યોગીત નટુભાઈ અજમેરા (51), પીયૂષ બીપીનચંદ્ર શાહ (53), પ્રીતેશ
દીપેનચંદ્ર ભાયાણી (49) અને સારવાર દરમિયાન મૃત્યુ પામનાર જયેશ હિંમતલાલ વાસાણી (58)નો
સમાવેશ થાય છે. અકસમાતનો ધડાકો થતાં હોટલ પર હાજર લોકો તેમજ ત્રાપજના સરપંચ મહિપાલાસિંહ
ગોહિલ, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જ્યૂભા ગોહિલ સહિતના આગેવાનો અને સેવાભાવી લોકો
તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં એકસાથે ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ,
તળાજા પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. ચાવડા, અલંગ પોલીસ ઈન્સ્પેક્ટર દેસાઈ, પોલીસ જવાનો
તથા તળાજા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સર
ટી. હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન
મૃતકો
વર્ષોથી અલંગ ખાતે નોકરી કરતા હતા અને ભાવનગરથી અલંગ અપડાઉન કરતા હતા. સાતેય મૃતદેહને
ભાવનગર સર ટી. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવતા પરિવારજનોના આક્રંદથી
સમગ્ર હોસ્પિટલ પરિસરમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોના કરુણ રુદનથી ઉપસ્થિત લોકો
પણ ભાવુક બની ગયા હતા.