પંજાબ
મુખ્યમંત્રીએ મૂક્યો આરોપ: ભાજપે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ
નવી
દિલ્હી, તા.6: આજે એક મોટા ઘટનાક્રમમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કેમ્પ ઓફિસ
પર સીબીઆઈએ દરોડો પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. આ કાર્યવાહી ટ્રાન્સફર અને પોસ્ટિંગ
સાથે જોડાયેલા મામલામાં કરવામાં આવી રહી છે. સીબીઆઈની કાર્યવાહીથી મુખ્યમંત્રી ભડકેલા
ભગવંત માને આ દરોડાને ભાજપની ચૂંટણી તૈયારીઓ સાથે જોડતાં કહ્યું કે ભાજપે ચૂંટણીની
તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સીબીઆઈની
આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશના એક દિવસ બાદ થઈ છે. 5 ઓક્ટોબરે જ હાઈકોર્ટે ટ્રાન્સફર-પોસ્ટિગ
મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં આજે સીબીઆઈની ટીમ મુખ્યમંત્રીની
કેમ્પ ઓફિસ ધસી ગઈ હતી. આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રાન્સફર, પોસ્ટિગ
અને સરકારી કામકાજમાં કથિત દખલગીરી સાથે જોડાયેલા મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
થવાની છે.
ભગવંત
માને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, ભાજપે પંજાબની ચૂંટણીની તૈયારીઓ
શરૂ કરી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબમાં ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરવામાં
આવશે અને પંજાબ સરકાર તથા તેમને બદનામ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જનતા તરફથી
આમ આદમી પાર્ટીને મળતા પ્રેમથી ભાજપ ખૂબ પરેશાન છે.
સીબીઆઈની
આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ તેને
મોટી કાર્યવાહી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભ્રષ્ટાચારનાં ખેલના અંતની શરૂઆત
છે.
આ સમગ્ર
મામલો ટ્રાન્સફર, પોસ્ટિગ અને કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. આ મામલે ઈડીએ પંજાબના
ડીજીપીને ત્રણ પત્રો લખ્યા હતા. આ પત્રોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી
ભગવંત માનના ઓએસડી રાજબીર સિંહ ઘુમાન તથા અન્ય કેટલાક લોકો, જેમાં નિતિન ગોહલ અને બીર
દાવિંદરનો પણ સમાવેશ થાય છે, કથિત રીતે ભ્રષ્ટાચારમાં સામેલ છે. પત્રોમાં આરોપોના સંદર્ભમાં
અનેક લોકો સામે કાર્યવાહી કરવાની અને એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. ઈડીના આરોપો અનુસાર,
મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી રાજબીર સિંહ ઘુમાન કથિત રીતે આઈએએસ, આઈપીએસ સહિતનાં
અધિકારીઓની બદલી અને નિયુક્તિમાં કૌભાંડ આચરી રહ્યાં હતાં.