• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

પ્રસિદ્ધ ક્રિષ્ના ઇજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી ગુમાવી શકે

રિહેબ શરૂ, રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાંથી પણ બહાર રહેવાની શક્યતા

 દિલ્હી, તા.6 : ગુવાહાટી ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી વન-ડે મેચ દરમિયાન ડાબા પગમાં હેમસ્ટ્રિંગની ઇજાનો ભોગ બનેલો પ્રસિદ્ધ ક્રિષ્ના ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. ઇજાનાં પગલે તે 4 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વન-ડે શ્રેણી ગુમાવી શકે છે. તે ન્યૂ ચંદીગઢ ખાતેની ત્રીજી વન-ડે પણ રમી શક્યો નહોતો.

 પ્રસિદ્ધ ક્રિષ્નાએ ગુવાહાટી વન-ડેમાં માત્ર પાંચ ઓવર ફેંકી હતી અને વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સની 31મી ઓવરમાં તે અસ્વસ્થતા જણાતાં મેદાનની બહાર નીકળી ગયો હતો. મેચમાં તેણે એક વિકેટ ઝડપી હતી. ઇજાને પગલે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં પણ પ્રસિદ્ધ ક્રિષ્ના કર્ણાટક તરફથી રમી શકે તેવી શક્યતા નહીંવત્ છે. કર્ણાટક પોતાની પ્રથમ મેચ વિજયવાડા ખાતે આંધ્રપ્રદેશ સામે રમવાનું છે. હાલમાં પ્રસિદ્ધ પોતાના ગૃહનગર બેંગલુરુ ખાતે આવેલા બીસીસીઆઈના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ પહોંચી ગયો છે, જ્યાં તેની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક