• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

બ્રહ્માંડનાં સૌથી માયાવી કણ ન્યૂટ્રિનોની શોધ કરનાર વિજ્ઞાનીને ભૌતિકશાત્રનું નોબેલ

-દક્ષિણ ધ્રુવનાં બરફમાં સેન્સર્સની મદદથી બ્રહ્માંડમાં થતી ઊર્જાસભર પ્રક્રિયાઓનો અભ્યાસ શક્ય બન્યો

નવી દિલ્હી, તા.6: બ્રહ્માંડનાં સૌથી માયાવી કણ ન્યૂટ્રિનોની શોધ કરનાર વિજ્ઞાનીને ભૌતિકશાત્રનાં નોબેલ પારિતોષિકનું એલાન કરવામાં આવ્યું છે. રોયલ સ્વીડિશ એકેડેમી અૉફ સાયન્સિસે 2026નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝનને આપવાનો નિર્ણય કર્યો છે. તેમને આ સન્માન આઇસક્યુબ ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરીમાં તેમના યોગદાન અને ખગોળીય મૂળના હાઈ-એનર્જી ન્યુટ્રિનોની શોધ માટે આપવામાં આવ્યું છે. હાલ્ઝને સમજ્યું હતું કે દક્ષિણ ધ્રુવની બરફનો ઉપયોગ ન્યુટ્રિનો નામના કણોને ટ્રેક કરવા માટે કરી શકાય છે.

તેમના અભિગમ અને વૈજ્ઞાનિક નેતૃત્વના કારણે આઇસક્યુબ ઓબ્ઝર્વેટરી શક્ય બની, જે એક ઘન કિલોમીટર જેટલાં બરફની અંદર લગાવવામાં આવેલા પ્રકાશ સેન્સર્સનું વિશાળ નેટવર્ક છે. તેના માધ્યમથી વૈજ્ઞાનિકો દૂરના બ્રહ્માંડમાં થતી અત્યંત ઊર્જાસભર પ્રક્રિયાઓમાંથી આવતા ન્યુટ્રિનોને શોધી શકે છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી જાણે છે કે બ્રહ્માંડમાં કુદરતી કણોના એવા સ્ત્રોતો છે, જે પૃથ્વીની પ્રયોગશાળાઓમાં પ્રાપ્ત કરી શકાય તેવી ઊર્જા કરતાં લાખો ગણી વધારે ઊર્જા ધરાવતા કણોને બહાર ફેંકે છે. આ સ્ત્રોતો વિશે હજુ પણ ઘણું રહસ્ય છે. તેઓ શું છે, ક્યાં આવેલા છે અને તેમની અંદર કઈ મુખ્ય પ્રક્રિયાઓ ચાલે  છે ? આવા અનેક પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી. હાઈ-એનર્જી ન્યુટ્રિનો આ જ પ્રકારના વાતાવરણમાં અન્ય કણો સાથે બને છે. પરંતુ અન્ય કણોથી વિપરીત, ન્યુટ્રિનો પોતાની દિશા બદલ્યા વિના અને ઊર્જા ગુમાવ્યા વિના પૃથ્વી સુધી પહોંચી શકે છે. તેથી તેઓ એવી માહિતી આપી શકે છે, જે અન્ય કોઈ રીતે મેળવવી મુશ્કેલ છે. ન્યુટ્રિનોને બ્રહ્માંડના સૌથી રહસ્યમય કણોમાં ગણવામાં આવે છે, કારણ કે તેઓ પદાર્થ સાથે ખૂબ જ ઓછી ક્રિયા કરે છે અને સરળતાથી તેની આરપાર પસાર થઈ જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક