• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

સૂર્યકુમારના વળતાં પાણી : મુંબઈની રણજી ટીમમાં પણ પસંદ ન કરાયો

પસંદગી પહેલા ટ્રાનિંગ કેમ્પમાં સતત ગેરહાજરી સૂર્યકુમારને નડી ગઈ

નવી દિલ્હી, તા.6: રણજી ટ્રોફી સીઝન રમીને સ્થાનિક ક્રિકેટ મારફતે પોતાનું ફોર્મ ફરી પ્રાપ્ત કરવાની સૂર્યકુમાર યાદવની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આગામી રણજી સીઝન માટે જાહેર કરેલી સ્ક્વોડમાં તેને સ્થાન આપ્યું નથી.

ભારતીય ટી20 ટીમના પૂર્વ કેપ્ટનની બાદબાકી પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. પ્રી-સીઝન ટ્રાનિંગ કેમ્પમાં સૂર્યકુમારની સતત ગેરહાજરી તેની પસંદગી ન પાછળનું મુખ્ય કારણ છે. રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી માટે પોતાની ઉપલબ્ધતા દર્શાવી હતી ખરી, પરંતુ તે મુંબઈના તૈયારી કેમ્પમાં હાજર રહ્યો નહોતો. મુંબઈના ખેલાડીઓ છેલ્લા એક મહિનાથી સીસીઆઈ અને બીકેસી ગ્રાઉન્ડ પર આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

સૂર્યકુમાર પાસે રેડ-બોલ ક્રિકેટ રમવાનો કોઈ લાંબો અનુભવ નથી. ક્રિકેટ એ ટીમ ગેમ છે. તેને નજીકના સમયનો અનુભવ ન હોવાથી સૂર્યકુમારના મુદ્દે તમામ પસંદગીકારો સંપૂર્ણપણે એકમત હતા. પસંદગી સમિતિનું માનવું હતું કે જો સૂર્યકુમારને સીધો જ ટીમમાં સમાવવામાં આવે, તો કેમ્પમાં પરસેવો પાડી રહેલા કોઈ હકદાર યુવા ખેલાડીને અન્યાય થાય. ટીમ પસંદગીના આશરે દસ દિવસ પહેલાં જ્યારે સિલેક્ટર્સે તેનો સંપર્ક કર્યો હતો ત્યારે પણ તેના તરફથી ત્વરિત ઉત્તર મળ્યો નહોતો, પાછળથી તેણે રમવાની તૈયારી દર્શાવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક