• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

રામમંદિર ટ્રસ્ટના પ્રથમ CEO નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા

ઓપરેશન સિંદૂરમાં નિર્ણાયક ભૂમિકા માટે સર્વોત્તમ સેવા પદકથી સન્માનિત : ટ્રસ્ટમાં સદસ્યોની પણ નિયુક્તિ

નવીદિલ્હી, તા.2 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં ટ્રસ્ટનાં ત્રણ ખાલી પદ ઉપર નિયુક્તિ સાથે શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે પ્રસ્તાવિત મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)નાં નામ ઉપર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના મણિરામદાસ છાવણી સ્થિત આવાસમાં યોજાઈ હતી. જેમાં રામ મંદિરીના પ્રથમ સીઇઓ તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. જીતેન્દ્ર મિશ્રાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચાવીરૂપ ભૂમિકા બદલ સ્વતંત્રતા દિવસ-2025 ઉપર સર્વોત્તમ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 2024માં અતિ વિશિષ્ટ સેવા પદક અને 2013માં વિશિષ્ટ સેવા પદકથી પણ તેમનું સન્માન થયેલું છે.

દાન ચોરી પ્રકરણમાં કેસ દાખલ થયા બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સદસ્ય ડૉ.અનિલ મિશ્રાએ પોતાનાં પદો ઉપરથી રાજીનામા આપી દીધાં હતાં. તા.6 જુલાઈનાં રોજ મળેલી ટ્રસ્ટની બેઠકમાં બન્નેનાં રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટમાં સદસ્યોનાં પદ ખાલી હતી. આજે મહેશ ભાગચંદ, મદનમોહન પાંડે અને ઉર્મલા ચતુર્વેદીને રામમંદિર ટ્રસ્ટમાં નવા સદસ્ય તરીકે સામેલ કરી લેવામાં આવ્યાં હતાં.

બેઠકમાં સામેલ થવા માટે ટ્રસ્ટનાં અનેક મુખ્ય સદસ્યો પહોંચ્યા હતા. અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ બેઠકમાં હતાં. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિ અને વિહીપનાં કેન્દ્રીય પદાધિકારી દિનેશ પણ આમાં જોડાયા હતા. વિહિપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. બાંગડા પણ બેઠકમાં આવ્યા હતા. આ ઉપરાંત શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી, વિશ્વ પ્રસન્ન તીર્થ, યુગપુરુષ સ્વામી પરમાનંદ, કેશવ પારાસરન, શશાંક ત્રિપાઠી, નૃપેન્દ્ર મિશ્ર, પ્રશાંત લોખંડે અને સંજય પ્રસાદ બેઠકમાં ઓનલાઈન જોડાયા હતાં.

આ પહેલા શોધ સમિતિ દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને સીઇઓનાં નામોની પેનલ સોંપી દીધી હતી. આ ઉપરાંત વર્તમાન ટ્રસ્ટીઓને રામમંદિર બોલાવવામાં આવયા હતા. ત્યાં સર્ચ કમિટીના ત્રણ સદસ્ય જસ્ટિસ પ્રમોદ કોહલી, લેફ્ટ. જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને વૈજ્ઞાનિક-ઉદ્યોગપતિ સુરેશ હાવડે પણ પહોંચ્યા હતા. સૌપ્રથમ તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટના પ્રવક્તા અને ટ્રસ્ટ ડીડીના સુધારાના વિષય ઉપર વાતચીત કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક