• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

હાલો માનવીયુ મેળે: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનો રંગ જામ્યો!

રાજકોટમાં ‘િવરાસતથી વિકાસ’ લોકમેળા સાથે પોરબંદર, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર,ભાવનગર સહિતના અન્ય શહેરોમાં લોકમેળાની રોનક

શાળા કોલેજોમાં વેકેશન પડતાં પ્રવાસ અને તિર્થસ્થાનોએ લોકો નિકળી પડયાં : હોટલ- ધર્મશાળા હાઉસફૂલ, ખાણી-પીણીના ધંધાર્થીઓને બખ્ખા

રાજકોટ, તા.2 : રાજકોટની સાથે સમગ્ર સૌરાષ્ટમાં સૌથી મોટા પર્વ અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. ‘હાલો માનવીયું મેળે’ની હાકલ સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ પર્વનો માહોલ છવાયો છે. એક તરફ મંદિરોમાં કૃષ્ણભક્તિના ગુંજારવ જોવા મળી રહ્યો છે, વિવિધ માર્ગો ઉપર અવનવા ફ્લોટ્સ આકર્ષણ જમાવી રહ્યાં છે તો બીજી તરફ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત લોકમેળાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતા આ લોકમેળા સતત પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીના મહાસાગરમાં ડૂબાડશે.

જન્માષ્ટમી એટલે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને મેળાની પરંપરાનો અનોખો સંગમ. સાતમ-આઠમના પર્વે યોજાતા મેળાઓમાં નાના-મોટા સહુ કોઈ પરિવાર સાથે ઉમટી પડશે. પર્વના પ્રારંભ સાથે આસપાસના તીર્થસ્થાનો પણ શ્રદ્ધાળુઓના પ્રવાહ વધ્યો છે. ખાસ કરીને દ્વારકા, સોમનાથમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે, કેટલાક લોકો ગુજરાત બહાર પ્રવાસોમાં પણ નીકળી ગયા છે. હોટલોમાં, ધર્મશાળાઓમાં એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યાં છે. હાઈવે અને શહેરોમાં લોકોના ધસારાની સાથે વાહનોની સંખ્યા વધતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળી રહ્યાં છે. ગિરનાર, ચોટીલા, જડેશ્વર, ઝરિયા મહાદેવ, ભૂતનાથ મહાદેવ (હલેન્ડા) ખોડલધામ કાગવડ, વીરપુર, તુલસીશ્યામ, સાસણ ગિર, ઘેલા સોમનાથ, સાળંગપુર તરફ પણ ભાવિકોના પ્રવાહ વધ્યો છે.લોકોના ધસારાને જોતા ખાણી-પીણીના ધંધાર્થીઓને બખ્ખા બોલી ગયાં છે. શાળા-કોલેજોમાં ‘િમની વેકેશન’નો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં વિરાસતથી વિકાસ’ લોકમેળાને આજે સાંજે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. મેળાનું મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઉદ્ધઘાટન થવાનું હતું પરંતુ કોઈકારણોસર તેઓ ઉપસ્થિત ન રહી શકતાં વહીવટી તંત્રએ એક સફાઈકર્મીના હસ્તે લોકમેળાને ખૂલ્લો મૂકાવીને નવો જ અભિગમ અપનાવ્યો હતો. આજે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા અન્ય મહેમાનોનું ભારતીય પરંપરાગત લોકગીતોની સૂરાવલીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.6ના રોજ લોકમેળાનું સમાપન થશે.

રાજકોટ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી સહિતના અન્ય શહેરોમાં પણ આજથી જન્માષ્ટમીના લોકમેળાની રોનક જોવા મળી રહી છે. આ તમામ મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી માનવ કિડીયારુ ઉમટશે. હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટશે.  સૌરાષ્ટ્રમાં ઘણા નાના-મોટા મેળાઓમાં સ્થાનિક કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા,ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. એક તરફ નવી પેઢી આધુનિક રાઈડ્સ અને મનોરંજનનો આનંદ માણે છે ત્યારે સૌરાષ્ટ્રના આ મેળાઓમાં મળતી પરંપરાગત વસ્તુઓ, લોકસંગીત, ભજન અને સંતવાણી અને કાઠિયાવાડી ખાણીપીણી સૌરાષ્ટ્રની અલગ ઓળખ પ્રસ્થાપિત કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક