પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ
વડોદરા,તા.31:
વડોદરાના ભાયલી વિસ્તારમાં ઓકટોબર 2024માં સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી જેમાં પાંચ
આરોપીઓ ઝડપાયા હતા. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પાંચેય આરોપીને આજીવન કેદની
સજા ફટકારી છે.
વડોદરાના
ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે 16 વર્ષીય
સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરું જગ્યાએ બેઠી હતી ત્યારે
આ અમાનુષી ઘટના બની હતી. આ દરમિયાન બે મોટરસાઇકલ પર આવેલા પાંચ નરાધમોએ સગીરાના મિત્રને
બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી અને ત્રણ દોષિતોએ સગીરાના મિત્રની હાજરીમાં જ
તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ દોષિતો સગીરાના મિત્રનો મોબાઇલ ફોન
લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેથી તેઓ તાત્કાલિક મદદ માગી ન શકે.
આ કેસમાં
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી મુખ્ય દોષિત મુમતાઝ
ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ મદદગારી
કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી.
આ ચકચાર
જગાવનારા કેસમાં કોર્ટે તમામ પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી
છે, જે વડોદરામાં એકસાથે પાંચ આરોપીઓને આવી સજા થઈ હોય તેવો પહેલો બનાવ છે. કોર્ટે
આ સાથે તમામ આરોપીઓને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને પીડિતાને 10 લાખ રૂપિયાનું
વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે સ્ત્રી સમાજનો
મહત્ત્વનો ભાગ છે અને આ ઘટનાને હળવાશથી ના લઈ શકાય. કુલ 45 સાક્ષીઓની જુબાની, સીસીટીવી
અને ફોરેન્સિક પુરાવાઓની મદદથી ચલાવાયેલા આ કેસમાં સરકારે પીડિતા માટે ત્રણ સરકારી
વકીલો નીમ્યા હતા.