પદમ બેન્કવેટ હોલ સહિતની મિલકતોના વ્યવહારો ચર્ચામાં; રૂ.17 કરોડથી વધુની કેશ ક્રેડિટ લોન અને મિલકત કબજાનો મામલો સામે આવ્યો
જામનગર,
તા.31 : જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારના મૃત્યુ અંગે તેમના પુત્ર દેવ પરમારે
અડાલજ પોલીસ મથકમાં 11 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરિવાર દ્વારા આક્ષેપ
કરવામાં આવ્યો છે કે, મેરામણ પરમારને ટોર્ચર કરીને ઝેરી દવા પીવા મજબૂર કરવામાં આવ્યા
હતા. સાથે જ 28થી વધુ મિલકતોના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો અંગે પણ ગંભીર આક્ષેપો
કરાયા છે.
ફરિયાદ
મુજબ આશરે રૂ.153 કરોડની મિલકતોના દસ્તાવેજો ચેકની એન્ટ્રી અને ત્યારબાદ રકમ પરત ટ્રાન્સફર
કરાવવાની રીતથી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે અડાલજ પોલીસની ટીમ જામનગર
પહોંચી હતી અને સિટી-સી પોલીસને સાથે રાખીને કેટલાક આરોપીઓના રહેઠાણ તથા ધંધાના સ્થળે
તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કેટલાક લોકો શહેરમાંથી બહાર નીકળી ગયા હોવાનું પોલીસ
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મામલામાં
પદમ પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલનો પણ ઉલ્લેખ થયો છે. આ મિલકત સામે પંજાબ નેશનલ બેંકમાંથી
આશરે રૂ.40 કરોડની કેશ ક્રેડિટ સુવિધા લેવામાં આવી હતી, જેમાંથી રૂ.17 કરોડથી વધુની
રકમ વપરાઈ હોવાનું જણાવાયું છે. લોનની ચુકવણી ન થતાં બેંકે જામનગરની અદાલતમાં મિલકતના
કબજા માટે કાર્યવાહી કરી હતી. અદાલતે જરૂરી પડે તો પોલીસ સુરક્ષા સાથે 20 દિવસમાં મિલકતનો
કબજો લઈ બેંકને સોંપવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન, અન્ય કેટલીક મિલકતોના
વ્યવહારોમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામે દસ્તાવેજો કરાવાયા હોવાના પણ આક્ષેપો સામે
આવ્યા છે. આ મિલકતોની જંત્રી કિંમત રૂ.153 કરોડ હોવા છતાં બજાર કિંમત રૂ.700થી 800
કરોડ સુધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં આશરે રૂ.2 હજાર કરોડની
મિલકતોના વ્યવહારો અંગે ચર્ચા ચાલી રહી છે. પોલીસની સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ
આ આક્ષેપોમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે. તપાસ આગળ વધે તેમ અન્ય નાણાકીય વ્યવહારો
અંગે પણ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.