રેવન્યૂ, પોલીસ અને વન વિભાગની સંયુક્ત કાર્યવાહી
જૂનાગઢ,
તા.31 : ગીરના ઇકો સેન્સિટિવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા આસામીઓને નોટિસો આપી
હતી .તેની મુદત ગઈકાલે પૂરી થતાં આજે મેંદરડા મામલતદારની આગેવાની હેઠળ રેવન્યૂ, પોલીસ
અને વન વિભાગ એ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી ત્રણ
એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ છે.
ગુજરાત
હાઇ કોર્ટની ફટકાર બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગીર જંગલથી એક
કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદે દબાણ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જૂનાગઢ,
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કુલ 387 એકમો ગેરકાયદેસર જાહેર થયા હતા. ત્રણ જિલ્લામાં
તંત્રના સર્વેમાં 387 ગેરકાયદે દબાણો બહાર આવ્યાં હતાં તેમાં જૂનાગઢ જિલ્લામાં 141,
ગીર સોમનાથ જિલ્લામાં 211 અને અમરેલી જિલ્લામાં 26 એકમોનો સમાવેશ થાય છે. તેમાં જૂનાગઢ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે.
જૂનાગઢ
જિલ્લામાં કુલ 141 ગીર બોર્ડર વિસ્તારના ગેરકાયદે બાંધકામના આસામીઓને તંત્ર દ્વારા
નોટિસ આપી 30 ઓગસ્ટ સુધી દબાણો દૂર કરવા જણાવ્યું હતું પરંતુ એક પણ દબાણકારે દબાણ દૂર
કર્યું ન હતું અને કોઈ સોગંદનામું પણ રજૂ કર્યું ન હતું. દબાણકારોનાં આ વલણ સામે આજે
જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ મેંદરડા નાયબ કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ મેંદરડા મામલતદારની
આગેવાનીમાં રેવન્યૂ, પોલીસ અને વન વિભાગ એ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી
શરૂ કરી હતી. સાંજ સુધીમાં ત્રણ એકર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ દબાણોમાં
મામાદેવ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે મેળવેલ જમીન ઉપર રિસોર્ટ શરૂ કર્યો હતો.
તેને તંત્રએ દૂર કર્યો હતો. આ ઉપરાંત હોટલ, રિસોર્ટ જેવાં દબાણો હટાવવામાં આવ્યાં હતાં.
આ પગલાંથી ભૂમાફિયાઓ, રિસોર્ટના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઝુંબેશ અગામી દિવસોમાં
પણ ચાલુ રહેશે.
જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા ઇકો સેન્સિટિવ વિસ્તારમાં સર્વે હાથ ધરી ગેરકાયદે દબાણોને શોધી
કાઢી તેમના આસામીઓને નોટિસ આપતા આ આસામીઓએ તાજેતરમાં જિલ્લાના ત્રણ ધારાસભ્યને બોલાવી
રજૂઆત કરી હતી, કે અમારી પાસે આજિવિકા માટે આ સિવાય અન્ય કંઈ ન હોય તેથી આ હોમ સ્ટે,
હોટલ ચલાવવા મંજૂરી આપવામાં આવે પરંતુ ત્રણેય ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરવાની માત્ર
ખાતરી આપી હતી.