• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

આર્થિક અપરાધમાં ચાઉં 100માંથી 1 રૂપિયો જ પાછો મળે છે !

મની લોન્ડ્રિંગ સહિતની આર્થિક ગુનાખોરીને પહોંચી વળવાનાં પડકારો મુદ્દે ચિંતા પ્રગટ કરતાં સીજેઆઈ

 

નવીદિલ્હી,તા.31: આર્થિક અપરાધો અને મની લોન્ડ્રિંગને પહોંચી વળવાનાં પડકારો સામે ગંભીર ચિંતા પ્રગટ કરતાં દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, મની લોન્ડ્રિંગ (હવાલાનાં કાળાધોળા)નાં દર 100 રૂપિયામાંથી તપાસ એજન્સીઓ અને સંબંધિત અધિકારી ફક્ત 1 રૂપિયો જ પરત વસૂલી શકે છે. આર્થિક અપરાધોની રીતભાતમાં આવતી નવીનતા અને આધુનિકતા તથા દેશો વચ્ચે પર્યાપ્ત આંતરરાષ્ટ્રીય સહયોગની કમી આનું મૂખ્ય

કારણ છે.

સીજેઆઈ સૂર્યકાંતે કેમ્બ્રિજમાં 43મા આર્થિક અપરાધ વિશેનાં પરિસંવાદમાં પોતાનાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્થિક અપરાધોને ભરી પીવા માટે ભારત પાસે વ્યાપક કાનૂની અને અમલીકરણ વ્યવસ્થા છે. તેમ છતાં ગેરકાનૂની રાહે એકત્ર સંપત્તિની વાસ્તવિક વસૂલાત ખુબ જ ઓછી છે. આ સંમેલનનો વિષય જ અસહજ સવાલ પેદા કરે છે કે, આટલા મોટાપાયે આર્થિક અપરાધ, જોખમ અને વ્યાપક અનુપાલન વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં વાસ્તવમાં પરત વસૂલાતી સંપત્તિનું પ્રમાણ ખુબ જ ઓછું છે.

તેમણે પોતાનાં સંબોધનમાં ભારતનાં પ્રાચીન રાજનેતા અને શિક્ષક કૌટિલ્યનાં અર્થશાત્રનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈ.સ.પૂર્વે બીજી સદીમાં લખાયેલા આ ગ્રંથમાં સરકારી અધિકારીઓ દ્વારા રાજ્યનાં ખજાનામાંથી ધન કાઢવા માટે આશરે 40 અલગ-અલગ પદ્ધતિનો ઉલ્લેખ મળે છે. તેમણે કૌટિલ્યની એ શીખનો હવાલો પણ આપ્યો હતો કે, કોઈપણ અધિકારી માટે રાજાનાં રાજસ્વને સંભાળવું અને તેમાંથી કંઈ જ લેવું નહીં તે એટલું જ કપરું છે જેટલું જીભની ધાર ઉપર રાખેલા મધ કે ઝેરનો સ્વાદ ન ચાખવો મુશ્કેલ છે. કૌટિલ્યે આવી ગડબડ રોકવા માટે ઓડિટ, ક્રોસચેક અને અવૈધ સંપત્તિની જપ્તી જેવા ઉપાયો ઉપર ભાર મૂક્યો હતો.

તેમણે આગળ કહ્યું હતું કે, અન્ય દેશો સાથે પ્રત્યાર્પણ અને પારસ્પરિક કાનૂની સહાયતા માટે સમજૂતીઓ થયેલી હોવા છતાં આર્થિક અપરાધીઓને પાછા લાવવા કે સંપત્તિ જપ્ત કરવી મુશ્કેલ બની રહે છે. આનાં માટે દેશો વચ્ચે બહેતર સહયોગ અને ઝડપી કાર્યવાહીની આવશ્યકતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક