• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

પશ્ચિમ એશિયાની તાણ, મોંઘવારી વચ્ચે વિકાસ વેગવાન

દેશનો GDP RBIનાં અનુમાનને આંબીને 7.8 ટકા : IT, બેંકિંગ, રિયલ એસ્ટેટ જેવાં ક્ષેત્રો મજબૂત

 

નવી દિલ્હી, તા. 31 : નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા 7.8 ટકાના દરે વધી છે. જે અર્થશાત્રીઓનાં અનુમાનથી ઘણી વધારે છે. ઘરેલુ ગતિવિધિઓમાં તેજીનાં કારણે ભૂ-રાજનીતિક અને બહારના દબાણ છતાં વિકાસ દર મજબૂત બની રહ્યો છે. સ્ટેટેસ્ટિક અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતની જીડીપી વાર્ષિક આધારે 7.8 ટકા વધી છે. આંકડા જાહેર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે વિકાસની ગતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, નિરાશાવાદીઓ ફરી ખોટા સાબિત થયા છે.

નાણાકીય વર્ષ 2027ના પહેલા ત્રિમાસિક ગાળામાં સ્થિર કિંમત ઉપર વાસ્તવિક જીડીપીનું અનુમાન 81.36 લાખ કરોડ રૂપિયા લગાડવામાં  આવ્યું હતું. જ્યારે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં આ આંકડો 75.46 લાખ કરોડ રૂપિયા હતો. નોમિનલ જીડીપી 10.3 ટકા વધીને 88.27 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે એક વર્ષ પહેલાં 80 લાખ કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક વિકાસ દરના આંકડા આશા કરતા સારા રહ્યા છે. અગાઉ રોયટર્સના 58 અર્થશાત્રીઓના એક સર્વેક્ષણમાં એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપી વિકાસ દર 7.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત થયું હતું.

નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો 7.8 ટકાનો જીડીપી વિકાસ દર મોટી ઉપલબ્ધિ છે. પીએમ મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ભારતના લોકોની સામૂહિક તાકાતે સુનિશ્ચિત કર્યું છે કે, ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે તેલની કિંમતમાં ઉતારચડાવ અને સપ્લાય ચેઇનની પરેશાનીઓ છતાં ભારતે એવો વિકાસ મેળવ્યો છે, જેનાથી નિરાશાવાદી ખોટા સાબિત થયા છે અને ભારત ફરી એક વખત સફળતાની નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ)એ પણ સારું પ્રદર્શન કર્યું છે. બેઝિક કિંમતો ઉપર રિયલ જીવીએ, નાણાકીય વર્ષ 2027ના પહેલાં ત્રિમાસિક ગાળામાં 8.2 ટકા વધીને 73.82 લાખ કરોડ થયું છે જ્યારે ગયાં વર્ષે સમાન ગાળામાં આંકડો 68.21 લાખ કરોડ રૂપિયા હતો. નોમિનલ જીવીએ 11.5 ટકા વધીને 80.53 લાખ કરોડ થયું છે.

નવા આંકડા બતાવે છે કે ઘરેલુ અર્થવ્યવસ્થામાં ગતિવિધિઓ આશા કરતા વધારે મજબૂત રહી છે જ્યારે ચિંતાઓ હતી કે ઊર્જાની વધારે પડતર અને જિયોપોલિટલ ઉથલપાલથથી ઉત્પાદન ઉપર અસર પડી શકે છે. આંકડા જાહેર થતા પહેલા અર્થશાત્રીઓએ ઉપભોક્તાઓની માગ, સરકારી મૂડીગત ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને નિર્માણ ગતિવિધિઓ અને નિકાસને અર્થવ્યવસ્થા માટે મુખ્ય આધાર બતાવવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક