• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

સંકટ સામે સરકાર સજ્જ : 7 જિલ્લામાં 10 કલાક વીજળી, સસ્તો ઘાસચારો

સિંચાઈનું પાણી છોડવા આદેશ, પ્રતિકિલો રૂ. 2 લેખે અપાશે ઘાસ, જ્યાં પણ જરૂર પડશે ત્યાં 10 કલાક વીજળી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેતી, પશુધનના રક્ષણ માટે તાકીદના નિર્ણયોની સરકારની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી,) અમદાવાદ,તા.25 : વરસાદની ખેંચને લીધે તોળાઈ રહેલા સંકટ સામે રાજ્ય સરકાર સજ્જ થઈ છે. જ્યાં જરુર છે તેવા સાત જિલ્લામાં દરરોજ દસ કલાક વીજળી આપવાનો નિર્ણય થયો છે ઉપરાંત પશુઓ માટે ઘાસચારો રુ. 2 પ્રતિકિલો જેટલો સસ્તો આપવાનું નક્કી થયું છે. જ્યાં જ્યાં જરુર પડશે ત્યાં આવા રાહતના પગલાં લેવાશે તેવી જાહેરાત કરતાં રાજ્ય સરકાર વતી મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે દરેક કલેક્ટરને આ તમામ કાર્યવાહી માટે અધિકૃત કરી દેવાયા છે.તેમણે કહ્યું કે રાજ્યમાં સિંચાઈ, પીવાનું પાણી, ઘાસચારો કે ખાંડનો કોઈ પુરવઠો ખોરવાશે નહીં અને સરકાર દરેક પરિસ્થિતિમાં છેવાડાના માનવી અને ખેડૂતની સાથે અડીખમ ઊભી છે.

રાજ્યમાં પશુધનની સુરક્ષા માટે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. વરસાદની ઘટની સ્થિતિમાં અત્યાર સુધીમાં 301 ગામોના 90 હજાર જેટલા પશુઓ સુધી 16 લાખ કિલો ઘાસચારાનું સફળતાપૂર્વક વિતરણ કરીને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી અને વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારો અનામત પડયો છે, જેથી આગામી સમયમાં પણ કોઈ તકલીફ પડશે નહીં.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે સરકારે માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના અત્યંત રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવ્યો છે. તમામ જિલ્લા કલેક્ટરોને સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત પગલાં લેવા માટે અધિકૃત કરી દેવાયા છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમો ભરીને પાકને સુકાતો બચાવવાનો મક્કમ નિર્ણય લેવાયો છે. ડેમોમાંથી પાણી છોડાઈ રહ્યું છે.

 

વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારો રિઝર્વમાં

રાજ્યના 301 ગામોના 90,000 જેટલા પશુઓ સુધી અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરી દેવાયું છે. વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારો રિઝર્વમાં છે, જેથી અછતનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત નિર્ણયો લેવા જિલ્લા કલેક્ટરોને સત્તા સોંપાઈ છે.

અત્યારે 7 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે

ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે વીજ પુરવઠા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ખેતીવાડી માટે રોજના 8 કલાક ગુણવત્તાસભર વીજળી આપવામાં આવી રહી છે. 7 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે. અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં હવે દરરોજ 10 કલાક વીજળી અપાશે.

ઇ-પેપરના નવા શુલ્ક