વિશેષ ટ્રેડ સર્ટિફિકેટ આપવાનો ઈનકાર કરી નાખતાં ભારતનાં હરીફ નિકાસકાર પાકિસ્તાનને ખુશી
નવી
દિલ્હી, તા.2પ: ઓસ્ટ્રેલિયાની અદાલત દ્વારા ભારતના બાસમતી ચોખાને વિશેષ ટ્રેડ સર્ટિફિકેટ
આપવાનો ઇનકાર કરી દેતા નિકાસ માટેના વિકલ્પોની શોધ કરી રહેલા ભારતીય ખેડૂતોની ચિંતા
વધી છે. સામે છેડે આ નિર્ણય પર પાકિસ્તાને ખુશ થઈ ગયું છે.
પંજાબના
ખેડૂતો દેશના લગભગ 40 ટકા બાસમતી ચોખાનું ઉત્પાદન કરે છે. જેમાંથી મોટા પ્રમાણમાં ઓસ્ટ્રેલિયામાં
નિકાસ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની એક અદાલતે બાસમતી ચોખા માટે સર્ટિફિકેશન ટ્રેડમાર્કની
માંગ કરતી એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી
(એપેડા)ની અરજી ફગાવી દીધી છે. એપેડાએ જ્યારે બાસમતી ચોખાને મળેલા જીઆઈ ટૅગનો તર્ક
રજૂ કર્યો, ત્યારે કોર્ટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં આ એક સામાન્ય બાબત છે. કોર્ટના
આ નિર્ણયથી પાકિસ્તાન ખુશ થયું છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના બજારમાં તે ભારતનો હરીફ દેશ
છે. કૃષિ સત્તામંડળે પહેલીવાર 2019માં ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી. 1988થી ઓગસ્ટ
2018 સુધી ભારતે ઓસ્ટ્રેલિયામાં 3,06,095 ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેની કિંમત
3,800 લાખ ડોલર હતી. બીજી તરફ, પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં 441.2 લાખ ડોલરના બાસમતી
ચોખાની નિકાસ કરી હતી. ઓસ્ટ્રેલિયન કોર્ટના આ નિર્ણય પર પાકિસ્તાને ખુશી વ્યક્ત કરી
છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો હાલમાં એવા બજારોની શોધ કરી રહ્યા છે જ્યાં તેમને તેમના
ચોખાના વધુ સારા ભાવ મળી શકે. જોકે, કોર્ટનો આ નિર્ણય ખેડૂતો માટે એક મોટો ઝટકો છે.
એક તરફ હોર્મુઝ બંધ થવાને કારણે નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને
તેમના પાકની યોગ્ય કિંમત મળી રહી નથી.