• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

પાણીનો ઉકળાટ

સૌરાષ્ટ્રમાં 52 ટકા જળસંગ્રહ, ચિંતાની સ્થિતિ

કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ઘટ : કચ્છમાં 25 ટકા,  ઉત્તર ગુજરાતમાં 44 ટકા, સૌરાષ્ટ્રમાં ક્યાંક 97 ટકા તો ક્યાંક 1 ટકાથી ઓછો જળસંગ્રહ, સરદાર સરોવર, સૌની યોજનાનો સધિયારો હોવા છતાં આયોજન આવશ્યક

હૃષિકેશ વ્યાસ (ફૂલછાબ ન્યૂઝ રાજકોટ): અમદાવાદ,તા.25 : ચોમાસું અપેક્ષા કરતાં અને ધારણા મુજબ નબળું ગયું છે, રાજ્યમાં જો કે દુષ્કાળ કે કારમા જળસંકટની સ્થિતિ નથી પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ચિંતાજનક ચિત્ર છે. નર્મદા નીર, સૌની યોજના જેવા માધ્યમો મોટાં આશ્વાસન હોવા છતાં પાણીનો પ્રશ્ન ઉભો થવાની સંભાવના છે. પાછોતરા વરસાદની આશા રાખી શકાય પરંતુ આયોજન પણ સાથે કરવું જ રહ્યું. રાજ્યના 207 જળાશયોમાં કુલ 73.43 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે અને 26 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે પરંતુ આ સરેરાશ આંકડો ગુજરાતના દરેક વિસ્તારની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો નથી. દક્ષિણ ગુજરાતમાં 77.25 ટકા અને સરદાર સરોવરમાં 85.30 ટકા પાણી છે, જ્યારે કચ્છમાં માત્ર 25.23 ટકા અને ઉત્તર ગુજરાતમાં 44.12 ટકા સંગ્રહ છે. સૌરાષ્ટ્ર પણ માત્ર 52.02 ટકા પર છે.

રાજ્યના કુલ જળસંગ્રહની ક્ષમતા સામે 73.43 ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. કુલ 18,547.46 મિલિયન ઘનમીટર પાણી સંગ્રહિત છે અને 26 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાત 77.25 ટકા ભરાવા સાથે સૌથી આગળ છે. જ્યારે ઉત્તર ગુજરાત માત્ર 44.12 ટકા અને કચ્છ 25.23 ટકા પર છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 52.02 ટકા સંગ્રહ છે એટલે રાજ્યમાં એક જ સમયે ક્યાંક જળાશયો છલકાવાની સ્થિતિ છે તો ક્યાંક હજુ પાણીની મોટી ખોટ છે. રાજ્યના 206 મુખ્ય જળાશયો માટેના વર્ગીકરણમાં 38 જળાશયો 90 ટકાથી વધુ ભરાઈ ગયા છે. વધુ 8 જળાશયો 80થી 90 ટકા, 14 જળાશયો 70થી 80 ટકા ભરાયા છે. જોકે 146 જળાશયો હજુ 70 ટકાથી નીચે છે.

આ આંકડો ગુજરાતના જળચિત્રનો સૌથી મોટો વિરોધાભાસ દર્શાવે છે. કુલ સરેરાશ 73 ટકા હોવા છતાં રાજ્યના મોટાભાગના જળાશયો 70 ટકાથી નીચે છે. ગુજરાતના સૌથી મહત્વના જળાશય સરદાર સરોવરમાં 25 ઓગસ્ટે 8,069.20 મિલિયન ઘનમીટર પાણી, એટલે કે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 85.30 ટકા પાણી હતું.

 

સૌરાષ્ટ્રની સ્થિતિ તો વધારે ચિંતા કરાવનારી

સૌરાષ્ટ્રનું ચિત્ર તો વધુ ચોંકાવનારું છે કેમકે ભાવનગરમાં જળાશયો 97.35 ટકા ભરાયેલા છે પરંતુ દેવભૂમિ દ્વારકામાં માત્ર 0.97 ટકા, જામનગરમાં 10.38 ટકા અને જૂનાગઢમાં 23.80 ટકા પાણી છે. એટલે એક જ ગુજરાતમાં ક્યાંક જળાશયો ભરપૂર છે તો ક્યાંક હજુ પાણીની ચિંતા યથાવત્ છે.

 

ઉત્તર ગુજરાતમાં હજુ પાણીની ચિંતા 

રાજ્યના કુલ સરેરાશની સામે ઉત્તર ગુજરાતની સ્થિતિ નબળી છે. અહીં 15 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા સામે માત્ર 44.12 ટકા પાણી છે. બનાસકાંઠામાં તો સંગ્રહ માત્ર 21.02 ટકા, જ્યારે અરવલ્લીમાં 58.73 ટકા છે. મહેસાણામાં 52.22 અને સાબરકાંઠામાં 52.12 ટકા સંગ્રહ છે. અર્થાત્ ગુજરાતમાં 73 ટકા પાણી છે એવી એક લીટી ઉત્તર ગુજરાતની વાસ્તવિક સ્થિતિને સંપૂર્ણ રીતે રજૂ કરતી નથી.

 કચ્છમાં પાણીની સ્થિતિ ચિંતાજનક

કચ્છની તસવીર વધુ ચિંતાજનક છે. અહીં 20 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા સામે માત્ર 25.23 ટકા પાણી છે. ગયા વર્ષની સરખામણીમાં પણ કચ્છનો સંગ્રહ ઓછો છે.

ડિઝાઇન સંગ્રહ : 325.26 મિલિયન ઘનમીટર

હાલનો સંગ્રહ : 82.07 મિલિયન ઘનમીટર

ભરાવો : માત્ર 25.23%

 

ઇ-પેપરના નવા શુલ્ક