• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

હવે ભારતની ખાનગી કંપનીઓ કરશે મિસાઇલ ઉત્પાદન

રક્ષા મંત્રાલયનો મોટો ફેંસલો : DRDO દ્વારા વિકસિત મિસાઇલ સિસ્ટમ ઉદ્યોગોને ટ્રાન્સફર કરવા રાજનાથ સિંહની મંજૂરી

નવીદિલ્હી, તા.2પ : રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવવામાં આવેલી તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સની ટેક્નોલોજી ભારતીય ઉદ્યોગોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ખાનગી કંપનીઓ દ્વારા પણ મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન કરવામાં આવશે.

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આના કારણે દેશમાં આ મિસાઇલ સિસ્ટમ્સનું સ્વદેશી ઉત્પાદન કરી શકાશે. મંત્રાલય અનુસાર, આ પગલાનો હેતુ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનો અને દેશના રક્ષા ઇકોસિસ્ટમમાં સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવાનો છે.

ટેક્નોલોજી ટ્રાન્સફર થયા બાદ પાત્ર ભારતીય કંપનીઓ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સની ટેક્નોલોજીનો દેશમાં ઉપયોગ કરીને તેનું ઉત્પાદન કરી શકશે. આ માટે સંબંધિત લાયકાત, પ્રમાણપત્ર અને નિયમનકારી આવશ્યકતાઓ પૂરી કરવી પડશે. આ પહેલ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના લક્ષ્યને હાંસલ કરવા અને રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં ભારતીય ઉદ્યોગોની ભાગીદારી વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી દેશની સ્વદેશી રક્ષા ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂતી મળશે.

મિસાઇલ સિસ્ટમ્સના વિકાસથી ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન તરફ સફળતાપૂર્વક પરિવર્તન સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનો હેતુ અદ્યતન રક્ષા સિસ્ટમ્સના વિકાસ અને ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગોની ક્ષમતાનો અસરકારક ઉપયોગ કરવાનો છે. આનાથી દેશની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રક્ષા ઔદ્યોગિક આધારને મજબૂત કરવાની સાથે ભારતીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા અન્ય ટેક્નોલોજી ભાગીદારો માટે રક્ષા સપ્લાય ચેઇનમાં ભાગ લેવાની નવી તકો ઊભી થશે.

આ પહેલનો એક મુખ્ય હેતુ રક્ષા સાધનોની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને દેશમાં રક્ષા સિસ્ટમ્સનાં ઉત્પાદન માટે સ્થાનિક મૂલ્યવર્ધનનો છે. આનાથી ભારતના રક્ષા ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણ અને સ્વદેશી રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવામાં પણ મદદ મળશે.

રક્ષા મંત્રાલય અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા ઉત્પાદનમાં 15.6 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2020-21ના 84,643 કરોડની સરખામણીમાં તેમાં 110 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં સ્વદેશી રક્ષા ઉત્પાદન લગભગ ચાર ગણું વધ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં રક્ષા નિકાસ પણ રેકોર્ડ 38,424 કરોડ સુધી પહોંચી હતી. ભારત હવે 80થી વધુ દેશોમાં રક્ષા ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. સરકારે 2029 સુધીમાં રક્ષા નિકાસને 50,000 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ખાનગી ક્ષેત્ર પણ ભારતના રક્ષા ઔદ્યોગિક આધારના એક મહત્ત્વપૂર્ણ યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં કુલ રક્ષા ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો 24 ટકા હતો, જ્યારે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓનું યોગદાન આશરે 76 ટકા રહ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક