જાતિ આધારિત વસતી ગણતરી સામે કોંગ્રેસનો નવો મોરચો : વડાપ્રધાન મોદીને પત્ર લખીને ઉઠાવાયા સવાલ
નવીદિલ્હી,તા.2પ:
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને પત્ર લખીને વસ્તી ગણતરીની પ્રશ્નાવલી સામે વાંધો વ્યક્ત કરીને સવાલો
ઉઠાવ્યા છે. તેમણે નાગરિકો માટેની આ પ્રશ્નાવલી રદ કરીને રાજકીય પક્ષો, નિષ્ણાતો અને
જનતા સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ નવી પ્રશ્નાવલી તૈયાર કરવાની માગ કરી છે. કોંગ્રેસના
બંને ટોચના નેતાઓનું કહેવું છે કે વસ્તી ગણતરીનું વર્તમાન સ્વરૂપ સ્વીકાર્ય નથી. જાતિઓ
અને સમુદાયોની સાચી સંખ્યા તેમજ તેમની સામાજિક-આર્થિક સ્થિતિનું ચોક્કસ મૂલ્યાંકન ત્યારે
જ શક્ય છે, જ્યારે જાતિની ઓળખ નોંધવાની પ્રક્રિયા સ્પષ્ટ હોય. બન્ને કોંગ્રેસ નેતાઓ
દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રશ્નસૂચિમાં એસસી-એસટી માટે અલગ કોલમ છે તો પછી ઓબીસી
માટે કેમ નહીં?
રાજ્યસભામાં
વિપક્ષના નેતા ખડગે અને રાહુલ ગાંધીએ 20 ઓગસ્ટે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું
છે કે તેઓ વર્તમાન સ્વરૂપમાં થઈ રહેલી જાતિ આધારિત વસ્તી ગણતરીને સ્વીકારતા નથી. બંને
નેતાઓએ સરકારને તેલંગણ અને બિહારમાં કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણોમાં અપનાવવામાં આવેલી
પદ્ધતિ અપનાવવાની વિનંતી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સામાજિક ન્યાયની
નીતિઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વિશ્વસનીય આંકડાઓની જરૂર છે. તેમના અનુસાર,
વિવિધ જાતિઓની વાસ્તવિક વસ્તી અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન
ન થાય તો શિક્ષણ, રોજગાર, સરકારી યોજનાઓ અને અનામત સહિત સામાજિક ન્યાય સંબંધિત નિર્ણયો
પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
કોંગ્રેસના
નેતાઓએ જાતિની માહિતી નોંધવા માટે અપનાવવામાં આવેલી ‘ઓપન-એન્ડેડ’ પ્રશ્નની પદ્ધતિ પર
સવાલ ઉઠાવ્યો છે. તેમના અનુસાર, ભારતમાં એક જ જાતિ અલગ-અલગ રાજ્યો અને વિસ્તારોમાં
અલગ નામો, પેટાજાતિઓ અને ભાષાઓના આધારે ઓળખાય છે.