• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

એક જ બ્રાન્ડ, પણ વિદેશમાં ગુણવત્તા અલગ !

દેશ અને વિદેશમાં વેચાતા સમાન ઉત્પાદનોમાં ક્વોલિટીમાં ફરક દેખાયો

નવી દિલ્હી, તા. 25 : એક જ કંપની, પેકેટ પણ એ જ છતાં જે પેકેટ સિડની કે લંડનની દુકાન પર વેચાઈ રહ્યું છે તે અને જે ભારતમાં શેરીના નાકે દુકાનમાં મળે છે તેમાં ગુણવત્તાની દૃષ્ટિએ જમીન-આસમાનનો ફરક સામે આવ્યો છે. સૌથી મોટો તફાવત એ છે કે, વિદેશમાં જે વસ્તુના પેકેટમાં સામેના ભાગે લાલ નિશાન લગાવીને ચેતવણી આપવામાં આવે છે તે જ ભારતમાં પેકેટની પાછળ એકદમ નાના અક્ષરમાં લખેલી હોય છે.

વધુ રસપ્રદ બાબત તો એ છે કે, જે કંપનીઓ ભારતમાં આ પ્રકારના લેબલનો વિરોધ કરી રહી છે તે જ વિદેશમાં સામેથી આવા લેબલ લગાડી તેને પારદર્શિતા તરીકે બતાવી રહી છે.

 લંડનમાં વેચાતા ‘ફેન્ટા’ના એક કેનમાં 63 કેલેરી હોય છે જ્યારે એ જ બ્રાન્ડને ભારતમાં ખરીદીએ તો આશરે ત્રણ ગણી ખાંડ મળી આવે છે. એ જ રીતે ભારતમાં વેચાતી ‘િકટકેટ’માં કોકોનું પ્રમાણ આશરે સાડાચાર ટકા હોય છે જ્યારે ઓસ્ટ્રલિયાની આ જ મિલ્ક ચોકલેટમાં કોકો ઓછામાં ઓછા 22 ટકા હોય છે.

આપણા દેશમાં વેચાતી મેગીના લગભગ તમામ પ્રકાર પામ ઓઈલથી નિર્મિત છે. બ્રિટનમાં વેચાતા તેના અનેક વર્ઝનમાં તેનાથી મોંઘું સૂરજમુખીનું તેલ વપરાશમાં લેવાય છે. સૌથી મોટી વાત એ છે કે, બ્રિટનમાં વેચાતા મેગીના મોટાભાગના પેકેટ બને ભારતમાં છે.

નેસ્લેએ 2024માં એવી ઘોષણા કરી હતી કે, તે ભારતમાં ખાંડ વિના સેરેલેક બેબી ફૂડનું વેચાણ કરશે. આ પહેલાં 50 વર્ષ સુધી દેશમાં ખાંડવાળું વર્ઝન જ વેચાતું હતું, જ્યારે અન્ય દેશોમાં ખાંડ વિનાનું બેબીફૂડ પણ મળતું જ હતું. દરમ્યાન કંપનીઓ આ તફાવતનો બચાવ કરતાં એમ કહે છે કે, દરેક દેશમાં લોકોનો સ્વાદ અલગ હોય અને ખર્ચ કરવાની ક્ષમતા પણ અલગ હોય છે તેથી ઉત્પાદનોમાં ફરક રાખવો પડે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક