કરન્ટની અફવા પછી અફરાતફરી ઃ સાત શ્રદ્ધાળુનાં કરુણ મૃત્યુ, આઠથી વધુ ઘાયલ
પટણા, તા. 17 ઃ બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરુણ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે આઠથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલવે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો. સોમવારે સવારે મંદિરમાં જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ દરમિયાન નાસભાગ સર્જાઈ હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતાં જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
---------------
ઉજ્જૈન નાગચંદ્રેશ્વર મંદિરે ભાગદોડ ઃ છને ઈજા
ઉજ્જૈન, તા. 17 ઃ ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડના કારણે છ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. જેઓને હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરાવવામાં આવ્યા હતા. હરસિદ્ધિ મંદિર સામે પણ બેરિકેડિંગના ક્ષેત્રમાં ભીડનું દબાણ વધતા અંદાજિત 13 વ્યક્તિની
તબિયત બગડી હતી.
મહાકાલ મંદિર પરિસરમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં સોમવારે દર્શન માટેની કતારમાં વીજ કરન્ટ ફેલાવાની અફવા બાદ ભાગદોડ મચી હતી. આ દરમિયાન નિલકંઠ દ્વારે છ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા જ્યારે હરસિદ્ધિ માતાજી મંદિર પાસે 13મી તબિયત બગડી હતી. ભીડ અને અફરાતફરીનાં કારણે થોડો સમય દર્શન વ્યવસ્થા પણ પ્રભાવિત રહી હતી. ઘટનાની સૂચના મળતા જ સ્થળ ઉપર રહેલા પોલીસ અને પ્રશાસનની ટીમે સ્થિતિ સંભાળી હતી તેમજ વ્યવસ્થા ફરીથી સુચારુ કરવામાં આવી હતી.