• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

રાજકોટમાં તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત ચારનાં મૃત્યુ

વીડી પીર દરગાહ પાસે દર્શન કરવા ગયેલા પરિવાર પર વજ્રઘાત, માસૂમ પુત્રના જન્મદિવસે જ પિતાએ ગુમાવ્યા સંતાનો

રાજકોટ, તા.16: રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક એક ભારે કરૂણાંતિકા સર્જાઈ છે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવા માટે એકત્ર થયેલા પરિવારના બે સગા ભાઈ સહિત ત્રણ માસૂમ બાળકો અને એક યુવકનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સિવિલ અને ઝનાના હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનોના આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને સમગ્ર રોણકી તથા બેડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ દુર્ઘટનાની વિગતો અનુસાર, રોણકી ગામના સાજીદ સોરાના પુત્ર સોહાનનો 10મો જન્મદિવસ હતો, જેથી પરિવારજનો તથા સંબંધીઓ દરગાહે દર્શન કરવા અને જમવા માટે નીકળ્યા હતા, જ્યાં બપોરના સમયે 6 વર્ષનો સેફુ સોરા તળાવમાં ન્હાવા માટે પડતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને બચાવવા માટે 20 વર્ષીય સાહિલ સોરા, 7 વર્ષની બાળકી અલીફા અને જન્મદિવસવાળો 11 વર્ષીય સોહાન પણ તળાવમાં કૂદી પડયા હતા, પરંતુ એક યુવક આટલા બધા બાળકોનો ભાર ન ઉપાડી શકતા ચારેય જણા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામ ચારેયને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં સાહિલને રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય બાળકોને ઝનાના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટના અંગે મૃતકના સંબંધી રિયાઝ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે એક બાળકને બચાવવા જતા અન્ય બાળકો અને યુવક પણ પાણીમાં ડૂબી ગયા હતા.

આ કરૂણ ઘટના અંગે એસીપી ભાવેશ જાધવ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીડી પીર દરગાહ પાસે ત્રણ બાળક અને એક યુવક તળાવમાં ડૂબી ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, તેમજ સોહનના જન્મદિવસ પ્રસંગે સર્જાયેલી આ મહાદુર્ઘટનાથી સમગ્ર પરિવાર સહિત રોણકી અને બેડી ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક