• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

ડો. હર્ષ પંડયા આપઘાત કેસ : કેન્દ્રીય અનુ. જાતિ આયોગના ચેરમેન મોડાસા પહોંચ્યા

રાગિંગ બાદ એટ્રોસિટીની કલમો ઉમેરાતા પોલીસ તપાસ તેજ, આયોગ ન્યાય માટે સક્રિય

 

મોડાસા, તા.17 : સુરત ખાતે ફરજ બજાવતા મોડાસાના આશાસ્પદ રેસિડેન્ટ ડો. હર્ષ પંડયાના ચકચારી આપઘાત કેસમાં હવે કેન્દ્રીય અનુસૂચિત જાતિ આયોગ સીધું હરકતમાં આવ્યું છે. આ મામલે આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર મકવાણાએ આજે મોડાસા સ્થિત મૃતક ડો. હર્ષ પંડયાનાં નિવાસસ્થાને પહોંચી શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.

પરિવારજનો સાથેની મુલાકાત દરમિયાન ચેરમેન કિશોર મકવાણાએ સમગ્ર ઘટનાની વિગતો જાણી પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે આયોગ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. આ મુલાકાત બાદ વહીવટી અને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આયોગના ચેરમેન સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સુરતથી આવેલા તપાસ અધિકારી એસીપી જોડાયા હતા. કિશોર મકવાણાએ અધિકારીઓ સાથે બેઠક યોજી અત્યાર સુધી થયેલી તપાસની પ્રગતિની સમીક્ષા કરી હતી અને કડક કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે સેવા આપતા હર્ષ પંડયાએ સીનિયરોના કથિત માનસિક ત્રાસ અને રાગિંગથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપો થયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ બાદ હવે આ કેસમાં રાગિંગની સાથે એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો પણ ઉમેરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, જેનાં કારણે જવાબદારો સામે ગાળિયો વધુ કસાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક