• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ગોંડલમાં લુટેરી દુલ્હન ગેંગ પકડાઈ

લગ્નના માત્ર 9 દિવસ બાદ જ ‘માસીનાં મરણ’નું બહાનું બનાવી સોનાના દાગીના અને રોકડ લઈને નવવધૂ અને તેની ઠગ ગેંગ રફુચક્કર થઈ ગઈ હતી

ગોંડલ, તા.3 : ગોંડલના કોટડા સાંગાણી રોડ પર આવેલી રોયલ પાર્ક-01 સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિક રિપારિંગનું કામ કરતા એક યુવક સાથે ‘લૂટેરી દુલ્હન’ ગેંગ દ્વારા લગ્નના માત્ર 9 દિવસમાં જ રૂ. 3.50 લાખની છેતરાપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત કાપોદ્રા પોલીસના હાથે આ ઠગ ગેંગ ઝડપાતાં સમગ્ર ભોપાળું છતું થયું હતું અને તેના આધારે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ઉંમર વધી ગઈ હોવાથી લગ્ન માટે કન્યાની શોધ કરતા વિમલભાઈ રમણીકભાઈ મોવલિયા નામના યુવકનો સંપર્ક સુરતના દલાલ મારફતે થયો હતો અને કન્યા બતાવી લગ્ન કરાવવાના બદલામાં રૂ. 3 લાખ રોકડા તેમજ રૂ. 50,000ના સોનાના દાગીના પડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ગત તા. 20/07/2025ના રોજ સુરતના વાસદા ગામે મકાનમાં ફૂલહાર વિધિથી લગ્ન સંપન્ન થયા હતા અને નવવધુ ગોંડલ ખાતે પતિ સાથે રહેવા આવી હતી.

લગ્નના નવેક દિવસ બાદ એટલે કે તા. 29/07/2025ના રોજ પતિ વિમલભાઈ રમણીકભાઈ મોવલિયા કામ અર્થે બહાર ગયા ત્યારે નવવધૂએ માસીનાં મરણનું બહાનું કાઢી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને યુવકે સુરત જઈ તપાસ કરતા માસી સહી સલામત હોવા છતાં આખી ગેંગ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ ફરિયાદીની બહેને સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનનો એક વીડિયો જોતા તેમાં આ જ લુટેરી દુલ્હન અને તેની ગેંગ પકડાયેલી જોવા મળી હતી, જેથી પોતાની સાથે છેતરાપિંડી થયાની ખાતરી થતાં ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ રતીલાલ કાપડિયા, સપનાબેન હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ કાપડીયા, દલાલ જયેશભાઈ પટેલ તેમજ દુલ્હન પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક