• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

જેતપુર : ભાદર નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 34 લાખનો મુદ્દામાલ જપ્ત

જેસીબી, ટ્રેક્ટર અને અંદાજે 200 ટન રેતી કબજે

જેતપુર, તા.3: જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દેરડી ગામ નજીક ભાદર નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદે સાદી રેતીના ખનન અને વહન સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી રૂ. 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહીમાં એક એસ્કેવેટર (જેસીબી), એક ટ્રેક્ટર તથા અંદાજે 200 ટન સાદી રેતી કબજે લેવામાં આવી હતી.

માહિતી મુજબ, ભાદર નદીમાં દેરડીના બેઠી ધાબીના પુલથી નાળ પાટ સુધીના વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. નદીના પટમાં અનેક સ્થળોએ ઊંડા ખાડા ખોદી પાણી ભરાઈ જતાં ડીઝલ એન્જિનની મદદથી પાણી બહાર કાઢીને રેતીનું ખનન કરવામાં આવતું હતું. સ્થળ પર જ ડીઝલ એન્જિન સહિતના સાધનો રાખી સતત ખનિજ ચોરી થતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. એસઓજીની કાર્યવાહીમાં અંદાજે રૂ. 30 લાખની કિંમતનું જેસીબી, રૂ. 3 લાખનું ટ્રેક્ટર અને રૂ. 1 લાખની કિંમતની 200 ટન સાદી રેતી મળી કુલ રૂ. 34 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગને વધુ કંપાઉન્ડિંગ દંડની કાર્યવાહી માટે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક