782 શંકાસ્પદની પૂછપરછ : નકલી આધાર કાર્ડ
અને દસ્તાવેજો બનાવતા સ્થાનિક એજન્ટો પર પણ પોલીસનો સકંજો
155 અમદાવાદ શહેર, 84 સુરત શહેર,
34 અમદાવાદ ગ્રામ્ય, 13 પૂર્વ કચ્છ-ગાંધીધામ,
31 રાજકોટ, 2 મોરબી અને
12 ભરૂચમાંથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 3 : રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરતા તત્ત્વો સામે સરકારે લાલ આંખ કરી છે.
ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોના મજબૂત નેટવર્કને તોડી પાડવા માટે
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં
આવ્યું છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એક્શનમાં આવેલી પોલીસે આ ઓપરેશન અંતર્ગત
અત્યાર સુધીમાં રાજ્યના જુદા-જુદા ભાગોમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
છે જ્યારે 782થી વધુ શંકાસ્પદોને અટકમાં લઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. ટેક્નોલોજી
અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સંગમ સાથે હાથ ધરાયેલી આ કડક ઝુંબેશથી ઘૂસણખોરો અને
તેમને આશ્રય આપતા સ્થાનિક એજન્ટોના નેટવર્કમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ ઓપરેશન
હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
કરવામાં આવી છે, જેમાં 103 પુરુષ, 188 મહિલા અને 71 બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન
અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે. આ
ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13, રાજકોટમાંથી
31, 2 મોરબી અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદેશી નાગરિકો
પકડાયા છે. તેમજ વડોદરામાં 200થી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા, જે પૈકી સાત લોકોના
દસ્તાવેજ શંકાસ્પદ જણાતા તેઓના અલગ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન
મોટી સંખ્યામાં, એટલે કે 782થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પણ મળી આવ્યા છે,
જેમની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ ઓપરેશન ખૂબ ઝીણવટપૂર્વક
પ્લાન કરવામાં આવ્યું હતું. શહેરોમાં રેડ ચાલુ થવાની સાથે જ સંભવિત ઘૂસણખોરો રાજ્ય
બહાર ભાગી ન જાય તે માટે તમામ બસ સ્ટેશનો, હાઇ વે અને રેલવે સ્ટેશનો પર તાત્કાલિક અસરથી
કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ વ્યૂહાત્મક નાકાબંધીના કારણે રેડ દરમિયાન ભાગવાની
કોશિશ કરી રહેલા અન્ય 18 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પણ નાકાબંધીનાં સ્થળેથી જ ઝડપી
પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
સાયબર
સેન્ટર ઓફ એક્સેલન્સ મદદથી 6200નો ડેટાબેઝ તૈયાર
એલ.
એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન
પર આધારિત છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ કરીને બાંગ્લાદેશના
નંબરો સાથે વાતચીત કરી હોય તેવા ભારતીય મોબાઈલ નંબરો શોધી કઢાયા છે. આ પદ્ધતિથી
6200થી વધુ શંકાસ્પદોનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા માટે જમીની કાર્યવાહી
શરૂ કરવામાં આવી છે. હાલમાં તમામ પકડેલા ગેરકાયદેસર નાગરિકોને નિયમાનુસાર ડીટેન કરીને
દેશની બહાર ડીપોર્ટ કરવાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.