ઉવા ગામે મહારાષ્ટ્રની બે એસ.ટી. બસ વચ્ચેની જોરદાર ટક્કટમાં એક સીએનજી બસમાં લાગી આગ
7 ઈજાગ્રસ્તને
સુરત જ્યારે 17ને બારડોલી હોસ્પિટલ ખસેડાયા
(ફૂલછાબ
ન્યુઝ)
સુરત,તા.2:
સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે એસ.ટી બસ વચ્ચે સર્જાયેલા
ગોઝારા અકસ્માતમાં સાત લોકોના મૃત્યું નિપજ્યા હતા. જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઇજા
પહોંચતા સુરત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત 17 જેટલા મુસાફરોને બારડોલીમાં
સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર પાસિંગની એક બસ સીએનજી હોવાથી ટક્કર બાદ
તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને ઇજા પહોંચી હતી.
બારડોલીના
ઉવા ગામ નજીક ટેન્કરને બચાવવા જતાં અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રની બસના ચાલકે સ્ટિયારિંગ
પરથી કાબુ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ
ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, બસ રસ્તા પર જ પલટી મારી
ગઈ હતી. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પટેલે સાત લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ લખાય
છે ત્યાં સુધી ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઇજાગ્રસ્તોને
સુરતની સાથે બારડોલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બન્ને બસના અકસ્માત બાદ
બસમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝડપથી આગ પર કાબુ મેળવવાનો
પ્રયાસ કર્યો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે કલેક્ટરને જાણ થતા
તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. બારડોલી સીએચસી હોસ્પિટલ ખાતે 17 જેટલા ઈજાગ્રસ્તને
સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે 7ને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે.