સલીમ ડોલાના ડ્રગ્સ તસ્કરી નેટવર્કની તપાસ: સપ્લાયરથી માંડીને દલાલ અને સીએ સુધીનાની તપાસ
નવીદિલ્હી,
તા.2 : પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલાના નેટવર્ક સામે મોટી કાર્યવાહી શરૂ કરી
છે. મુંબઈ ઝોનલ ઓફિસની ટીમે મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત 20 સ્થળોએ એકસાથે
ધોંસ બોલાવીને દરોડા પાડયા છે. આ કાર્યવાહી મની લોન્ડારિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ
તસ્કરી સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી રહી છે.
ઈડીની
આ કાર્યવાહી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી એવી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સામ છે,
જેનું સંચાલન સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવતું હોવાનું કહેવાય
છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું છે અને હજારો
કરોડ રૂપિયાના ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સાથે જોડાયેલું છે. તાજેતરમાં સરકાર સલીમ
ડોલાને તુર્કિયેથી (તુર્કી) પ્રત્યાર્પણ કરીને ભારત લાવી હતી. સલીમ ડોલાને ફરાર આતંકવાદને નાણા ભંડોળ પૂરું પાડનાર
દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સહયોગી માનવામાં આવે છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે તે લાંબા
સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેના નેટવર્ક
મારફતે મોટાપાયે પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હતી, જેના દ્વારા
મોટી માત્રામાં ગેરકાયદેસર કમાણી થતી હતી.
ઈડીના
આજનાં દરોડા એવા લોકો અને સંસ્થાઓ પર કેન્દ્રિત છે જે આ સમગ્ર નેટવર્કનો ભાગ રહ્યા
હોવાનું માનવામાં આવે છે. તેમાં ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલ્સના
સપ્લાયરો, કેમિકલ વ્યવસાય સાથે જોડાયેલા દલાલો, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન (એમડી)ના
ઉત્પાદકો અને વિતરકોનો સમાવેશ થાય છે. ઉપરાંત હવાલા ઓપરેટરો અને બેનામી સંપત્તિના માલિકોને
પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.
આ મની
લોન્ડારિંગ તપાસ પ્રિવેન્શન અૉફ મની લોન્ડારિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ શરૂ કરવામાં
આવી છે. તેની શરૂઆત મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી અનેક એફઆઇઆરના
આધારે થઈ હતી. આ કેસોમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીના
આરોપો લગાવવામાં આવ્યા છે. ઈડીની ટીમ હાલ સમગ્ર નેટવર્કની નાણાકીય પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક
તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ કેમિકલ ફેક્ટરીઓથી લઈને નાણાકીય વ્યવહારો કરાવનારા લોકો
સુધી વિસ્તરેલો છે. તેમાં એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને અન્ય નાણાકીય
સલાહકારોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.