• રવિવાર, 31 મે, 2026

મમતાનાં ભત્રીજા અભિષેક બેનરજી ઉપર ટોળાનો હુમલો

- ઈંડા-પથ્થરનો મારો, ઝપાઝપીમાં શર્ટ ફાટયો : પોલીસે હેલ્મેટ પહેરાવીને સુરક્ષાઘેરા વચ્ચે બહાર કાઢવા પડયાં : અભિષેક અને તૃણમૂલનો ભાજપ ઉપર આક્ષેપ

 

કોલકતા,તા.30: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં ઘવાયેલા પક્ષનાં કાર્યકરોને મળવા પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ અભિષેક બેનરજી પોતે હિંસાનો શિકાર બની ગયા હતાં. સોનારપુરમાં તૃણમૂલનાં કાર્યકરોને મળવા પહોંચેલા મમતા બેનરજીનાં ભત્રીજા અભિષ્ઁાક ઉપર ઈંડા અને પથ્થરનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ઝપાઝપીમાં તેમનાં કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પ્રદર્શનકારીઓનાં આ હુમલામાં ફસાઈ ગયેલા અભિષેકને પોલીસે તાબડતોબ ઘેરી લીધા હતાં અને પછી તેમને હેલ્મેટ પહેરાવીને સુરક્ષા વચ્ચે ત્યાંથી બહાર લઈ જવાનો વખત આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની હાલત કફોડી બનેલી છે. પક્ષ ઉપર એક પછી એક ઘાત આવી રહી છે અને તેમાં હવે રાજ્યનાં સોનારપુરમાં મમતા બેનરજીનાં ભત્રીજા જેવા રાજનીતિનાં શક્તિશાળી વ્યક્તિ ઉપર હુમલાએ બંગાળમાં હાલત કેટલી સંવેદનશીલ બનેલી છે તેનો ચિતાર આપી દીધો છે. હુમલાની આ ઘટના પછી મીડિયા સાથે વાત કરતાં અભિષેકે આ હિંસાનો આરોપ બંગાળની નવી ભાજપ સરકાર ઉપર લગાવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે, અભિષેક જ્યારે તૃણમૂલનાં કાર્યકરોને મળી રહ્યા હતાં બરાબર ત્યારે જ ભાજપનાં કેટલાક લોકોએ ત્યાં ધસી આવીને ચોર-ચોર નારાબાજી શરૂ કરી દીધી હતી અને તૃણમૂલ નેતા ઉપર ઈંડા-પથ્થર ફેંક્યા હતાં. ત્યાર બાદ તેમની સાથે મારપીટની કોશિશ પણ કરવામાં આવી હતી. આ ઝપાઝપીમાં અભિષેકનો શર્ટ પણ ફાટી ગયો હતો.

સોનારપુરનાં કમરાબાદ વિસ્તારમાં આજે સાંજે ચાર વાગ્યાનાં સુમારે અભિષેક પોતાનાં પક્ષનાં એક મૃતક કાર્યકરનાં ઘરે પહોંચ્યા હતાં. જ્યાં તૃણમૂલનાં આરોપ મુજબ ભાજપનાં કાર્યકરો અને આગેવાનો પહેલેથી જ મોજૂદ હતાં અને તેમાં મહિલાઓને આગળ રાખવામાં આવી હતી. તેમનાં હાથમાં કાચા ઈંડા હતાં. ભારે વિરોધને ધ્યાને રાખતા સાંસદ પોતાની કાર છોડીને બાઈકથી અંદર જવા લાગ્યા હતાં. ત્યારે જ દેખાવકારોએ તેમને પીડિતનાં ઘરની નજીક ઘેરી લીધા હતાં અને નારાબાજી શરૂ કરી દીધી હતી. આ ઉગ્ર ભીડે સડક ઉપર મોટર સાઈકલ પણ ફંગોળી હતી અને અફરા-તફરીનો માહોલ બની ગયો હતો.

આ હિંસા દરમિયાન અભિષેકે મીડિયાને કહ્યું હતું કે, આ બધું ભાજપ સરકારનું કરાવેલું છે. આ લોકો મને મારવા માગે છે. મારો શર્ટ ફાડી નાખ્યો છે. તમે જોયું હશે કે સ્થળ ઉપર કોઈ પોલીસવાળા પણ હાજર નહોતાં. હેલ્મેટનાં હિસાબે મારું માથું બચી ગયું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક