• શુક્રવાર, 29 મે, 2026

‘નીટ’ના પેપરની રક્ષા કરશે સેના

-પેપર લીક રોકવા સંરક્ષણમંત્રી રાજનાથના નિવાસે મળી મહત્ત્વની બેઠક : પરીક્ષા સુરક્ષિત બનાવવા પર મંથન કરાયું

નવી દિલ્હી, તા. 28 : નીટ પેપર લીક વિવાદથી સમગ્ર દેશના વિદ્યાર્થી, વાલીઓમાં ભારે નિરાશા વચ્ચે દેશની સરકાર આ મહત્ત્વપૂર્ણ પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે મોટું પગલું લેવાની તૈયારીમાં છે.

નીટ પરીક્ષાના પ્રશ્નપત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પ્રશ્નપત્રો સેનાના હાથમાં સોંપવાની તૈયારી થઇ રહી છે.

સેનાના હાથમાં જવાબદારી સોંપાતાં પેપર લીક થવા જેવી ઘટનાઓ પર રોક મૂકી શકાશે અને આવી પરીક્ષાની વિશ્વસનીયતા પણ ટકી શકશે.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ગુરુવારે યોજાયેલી મહત્ત્વની બેઠકમાં નીટ પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક બનાવવા પર મંથન થયું હતું.

આ બેઠકમાં દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સીબીએસઇ અને એનટીએના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે, સરકાર હવે આવી પરીક્ષા પ્રણાલીમાં ટેકનિકલ અને સુરક્ષા એજન્સીઓની ભૂમિકા વધારવા પર ગંભીરતાથી વિચાર કરી

રહી છે.

પ્રશ્નપત્રોના છાપકામથી માંડીને પરિવહન અને પરીક્ષા કેન્દ્રો સુધી સુરક્ષિત પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત બનાવવા માટે અનેક નવા મોડેલ પર બેઠકમાં મંથન કરાયું હતું.

સરકાર જલ્દી આ મામલે મોટો ફેંસલો લેશે. આમ થાય તો દેશની પ્રમુખ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા વ્યવસ્થામાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક