• શુક્રવાર, 29 મે, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિની આશા ઉપર પાણી !

-અમેરિકાએ ઈરાનમાં અબ્બાસ બંદર પાસે કર્યો શક્તિશાળી હુમલો: જવાબી કાર્યવાહીમાં ઈરાને બનાવ્યું અમેરિકાનાં એરબેઝને નિશાન

નવી દિલ્હી, તા.28: ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી અને હોર્મુઝ ફરીથી ખુલવાની આશા ઉપર પાણી ફરી વળવાનું હોય તેવા એક ઘટનાક્રમમાં અમેરિકાએ ઈરાનમાં અબ્બાસ બંદર પાસે શક્તિશાળી હુમલો કરી નાખ્યો હતો અને તેના જવાબમાં ઈરાને પણ અમેરિકાનાં એરબેઝને નિશાન બનાવીને હુમલા કર્યા છે. બીજીબાજુ કુવૈતનાં રક્ષા મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઈરાન તરફથી દાગવામાં આવેલી મિસાઈલ અને ડ્રોનને આંતરીને રોકવામાં આવી રહ્યાં છે.

ઈરાનનાં રિવોલ્યુશ્નરી ગાર્ડે જણાવ્યા અનુસાર સ્થાનિક સમયાનુસાર સવારે 4.50વાગ્યે અબ્બાસ બંદરે થયેલા હુમલાની જવાબી કાર્યવાહીમાં અમેરિકાનાં વાયુસેના મથનકને નિશાન બનાવવામાં આવ્યાં છે. જો કે અમેરિકાનાં ક્યા એરબેઝ ઉપર ઈરાને હુમલો કર્યો હતો એ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

અમેરિકાએ કરેલા હુમલા બાદ ઈરાની રિવોલ્યુશ્નરી ગાર્ડ્સ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે, જો આ પ્રકારે બીજીવાર હુમલાનું પુનરાવર્તન થશે તો આનાથી પણ વધુ નિર્ણાયક અને ઘાતક પ્રતિક્રિયા આપવામાં આવશે. આનાં ગંભીર પરિણામો માટે હુમલાખોર અમેરિકા જ જવાબદાર રહેશે.

કતરમાં શાંતિ સમજૂતી માટે ચર્ચાના દોર વચ્ચે અમેરિકી સેનાએ હુમલો કરી ચાર ડ્રોન તોડી પાડયાં હતાં.

ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ ઓળખ છુપાવવાની શરત સાથે કહ્યું હતું કે, આ તમામ ડ્રોન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે ખતરો પેદા કરી શકે છે.

મોડી રાત્રે હવાઇ હુમલાથી બંદર અબ્બાસમાં જોરદાર ધડાકાથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. અમેરિકી સેના પ્રવકતાએ આ કાર્યવાહીને ‘િડફેંસિવ સ્ટ્રાઇક’ એટલે કે, રક્ષણ માટે હુમલો લેખાવી હતી.

એ સિવાય અમેરિકી યુદ્ધવિમાનોએ અમેરિકાનાં ઠેકાણાંઓ માટે સીધો ખતરો બની શકે તેવાં ઇરાનનાં કાંઠાળ મિસાઇલ લોન્ચ પેડસ પર પણ હુમલો કર્યો હતો.

આ કાર્યવાહીમાં ઇરાની નૌકાદળના કમસેકમ ચાર સૈનિકનાં મોત થઇ ગયાં હતાં, તેવું વિવિધ અહેવાલોમાં જણાવાયું હતું.

દરમ્યાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપતાં કહ્યું હતું કે, હોર્મુઝ પર કોઇ એક દેશનો કબજો ન હોઇ શકે.

 

ઇ-પેપરના નવા શુલ્ક