સોરઠમાં બેરલ-કેરબામાં ડીઝલ આપવાનું બંધ કરાતા પરિસ્થિતિ સામાન્ય થવા તરફ
ધ્રાંગધ્રામાં
પેટ્રોલ-ડીઝલ અછતની અફવાએ મચાવી દોડધામ
રાજકોટ,
તા.24 : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત અને અફવાઓના
કારણે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સંગ્રહખોરી, કાળાબજારી અને સોશિયલ મીડિયા પર
ફેલાયેલી અફવાઓના પગલે પેટ્રોલપંપો પર વાહનચાલકો અને ખેડૂતોની લાંબી કતારો લાગવાનું
હજુ પણ યથાવત્ત રહ્યું છે. સોરઠ, તળાજા અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામ
અને અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સરકાર અને ઓઇલ કંપનીઓએ પૂરતો જથ્થો ઉપલબ્ધ
હોવાનો વિશ્વાસ આપતા હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.
સોરઠ
વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડીઝલની અછતને લઈને સર્જાયેલી પરિસ્થિતિ હવે ધીમે ધીમે
સામાન્ય બની રહી છે. સંગ્રહખોરીને કારણે લોકો દ્વારા જરૂરી કરતાં વધુ ડીઝલ એકત્ર કરવામાં
આવતા પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળતી હતી અને ખેડૂતો તથા વાહનચાલકોમાં પેનિક ફેલાયું
હતું. પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે સરકારે પેટ્રોલપંપ પરથી બેરલ અને કેરબામાં ડીઝલ
આપવાનું બંધ કર્યું છે, જેના કારણે અછત અને ભય બંનેમાં ઘટાડો થયો છે. હાલ ઓઇલ કંપનીઓ
તરફથી નિયમિત પુરવઠો મળવા લાગતાં પેટ્રોલપંપ પરની ભીડ ઘટી ગઈ છે અને વાહનચાલકોને સરળતાથી
ડીઝલ મળી રહ્યું છે.
તળાજા
પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પંથકના 13 પેટ્રોલપંપો પર ખેડૂતો અને વાહનચાલકો ડીઝલ મેળવવા લાંબી લાઈનોમાં ઊભા રહેતા
જોવા મળી રહ્યા છે. સંગ્રહખોરી અને કાળાબજારી વધતાં સામાન્ય લોકોને 10થી 20 લીટર ડીઝલ
માટે પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડીઝલ આવે ત્યારે તળાજા અને દાઠા પોલીસને પેટ્રોલપંપો
પર બંદોબસ્ત ગોઠવવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કેટલાક પંપો પર પેટ્રોલ ઉપલબ્ધ હોવા
છતાં પંપ બંધ રાખી કૃત્રિમ અછત ઉભી કરાતી હોવાના આક્ષેપો થયા છે. તળાજાના ડેપ્યુટી
કલેક્ટર રાવળે જણાવ્યું હતું કે, ઇંધણની અછત અંગે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ
તમામ પંપ સંચાલકોને સુચારુ આયોજન માટે કડક સૂચનાઓ અપાઈ છે.
ધાંગધ્રામાં
પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે શુક્રવારે રાત્રે
અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને પેટ્રોલ પંપો પર પહોંચી
જતા લાંબી કતારો લાગી હતી. વાહનોની લાઈનો હાઈવે સુધી પહોંચતા ટ્રાફિક જામની સ્થિતિ
ઉભી થઈ હતી અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. જોકે, સરકાર અને સંબંધિત વિભાગોએ
સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. પોલીસે
ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.