• સોમવાર, 25 મે, 2026

ક્વેટામાં સૈનિકો ભરેલી ટ્રેન ઉપર આત્મઘાતી હુમલો

બલૂચિસ્તાનમાં વિસ્ફોટક લાદેલી કારે ટ્રેનનાં ડબ્બાનાં ફૂરચા ઉડાવી નાખ્યા : 24નાં મૃત્યુ, 50 ઘાયલ

 

ઈસ્લામાબાદ,તા.24: પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં આજે એક ભયાનક બોમ્બ ધડાકામાં ટ્રેનનાં ડબ્બાનાં ફૂરચા ઉડાડી નાખવામાં આવ્યા હતાં અને આ હુમલામાં કમસેકમ 24નાં મૃત્યુ અને પ0થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

ક્વેટામાં ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે સૈન્યકર્મીઓને લઈને જઈ રહેલી એક ટ્રેનને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેન જ્યારે અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે વિસ્ફોટક લાદેલી એક કારે ટ્રેનનાં ડબ્બાને ટક્કર મારી હતી. જેને પગલે થયેલા પ્રચંડ વિસ્ફોટે ડબ્બાને ઉડાવી નાખ્યો હતો. આ ધડાકાનાં હિસાબે ટ્રેનમાં પણ ઘણું નુકસાન થયું હતું. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ત્યાં આજુબાજુમાં રહેલા 10 જેટલા અન્ય વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ જોરદાર ધડાકામાં મરાયેલા લોકોમાં સેનાનાં જવાનોનો પણ સમાવેશ થાય છે.

આસપાસની ઈમારતોમાં બારીઓનાં કાચ તૂટી ગયા હતાં. આ ધડાકા પછી ક્વેટાની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને          રાખીને વધારાનાં તબીબી સ્ટાફને પણ બોલાવી લેવામાં આવ્યો હતો. બીજીબાજુ સાવચેતીનાં ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી હતી.

પાક. સેનાને નિશાન બનાવીને આ ફિદાયીન હુમલો બલૂચ લિબરેશન આર્મીએ કર્યો હોવાનું માનવામાં આવે છે. ઘાયલ પ0 લોકોમાંથી અનેકની હાલત નાજુક છે અને મૃત્યુઆંક હજી પણ વધવાની ભીતિ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી May 25, Mon, 2026