• સોમવાર, 25 મે, 2026

વ્હાઈટ હાઉસ બહાર અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોર ઠાર

ડોનાલ્ડ  ટ્રમ્પ વોશિંગ્ટન સ્થિત ઓફિસે હતા ત્યારે જ થયો હુમલો : હુમલો કરનારા શખસનું નામ નાસિર : સીક્રેટ સર્વિસ અને FBIએ તપાસ શરૂ કરી

વોશિંગ્ટન, તા. 24 : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસ વ્હાઈટ હાઉસ પાસે  શનિવારે સાંજે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર થતા હડકંપ મચ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ બનાવ બાદ તરત જ સીક્રેટ સર્વિસ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો અને પુરા વ્હાઈટ હાઉસ પરિસરને ઘેરીને લોકડાઉન કરી દીધું હતું. આ દરમિયાન હુમલાખોર અને જવાનો વચ્ચે સામસામો ગોળીબાર પણ થયો હતો. જેમાં હુમલાખોર ઘાયલ થયા બાદ  હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તપાસમાં મૃતક હુમલાખોરનું નામ નાસિર બેસ્ટ હોવાનું સામે આવ્યું હતું.

અમેરિકી સીક્રેટ સર્વિસના એક અધિકારીએ કહ્યું હતું કે, ગોળીબારની ઘટના વ્હાઈટ હાઉસ પરિસર બહાર 17મી સ્ટ્રીટના ખૂણે બની હતી. હુમલાખોરે સીક્રેટ સર્વિસની એક ચોકીને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના પરિણામે એફબીઆઈ પણ તરત જ હરકતમાં આવી હતી. એફબીઆઈ પ્રમુખ કાશ પટેલે કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ પરિસર પાસે બનેલા ગોળીબારના બનાવમાં એફબીઆઈ સીક્રેટ સર્વિસની પુરી મદદ કરી રહી છે. જે સમયે સુરક્ષા ચૂકનો બનાવ બન્યો ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં જ હતા. કહેવાય છે કે ઈરાન સાથે એક મહત્વપુર્ણ આંતરરાષ્ટ્રીય સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે સાઉદી અરબ, યુએઈ અને ઈઝરાયલના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટ્રમ્પ ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા.

બનાવના કારણે વ્હાઈટ હાઉસના નોર્થ લોનમાં રહેલી મીડિયા કર્મચારીઓમાં પણ અફરાતફરી મચી હતી તેમજ ઘણા પત્રકારોએ ઘટના સમયે વ્હાઈટ હાઉસની સ્થિતિ અંગે વીડિયો પણ શેર કર્યા હતા. આ અગાઉ 25 એપ્રિલના રોજ વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં આયોજીત એક ડિનર સમારોહમાં પણ હિંસક ઘટના બની હતી, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી May 25, Mon, 2026