250 કરોડના વેપાર પર વિપરીત અસર : વરસાદ વહેલો પડશે તો મીઠાનો તૈયાર પાક પાણીમાં બરબાદ થવાની ભીતિ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.23 : ગુજરાતના નાના રણમાં મીઠા ઉત્પાદન સાથે જોડાયેલા અગરિયા સમુદાય પર ડીઝલની અછતનું
ગંભીર સંકટ ઊભું થયું છે. રાજ્યમાં દેશનું આશરે 70 ટકા મીઠું ઉત્પાદન થાય છે, પરંતુ
હાલ ડીઝલના અભાવે હજારો અગરિયાઓના રોજગાર અને મીઠાના પાક પર જોખમ મંડરાઈ રહ્યું છે.
સાંતલપુર,
માળિયા, ખારાઘોડા, આડેસર, ધાંગધ્રા, હળવદ અને રાધનપુર સહિતના વિસ્તારોમાં આશરે
3500થી વધુ અગર કાર્યરત છે. અહીં દર વર્ષે 60 લાખ ટનથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે.
કોંગ્રેસ પ્રવક્તા ડો.પાર્થિવરાજાસિંહ કઠવાડિયાના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટરો ડીઝલની
અછતને કારણે ફેરા મારવામાં મનાઈ કરી રહ્યા છે અથવા અગરિયાઓ પાસે જ ડીઝલની માગ કરી રહ્યા
છે. જેના કારણે નાના અગરિયાઓના આશરે 250 કરોડના વેપાર પર અસર પડી રહી છે.
આ ઉદ્યોગ
સાથે સીધા 50 હજારથી વધુ અને પરોક્ષ રીતે એક લાખથી વધુ લોકો જોડાયેલા છે. ડીઝલ નહીં
મળે અને વરસાદ વહેલો પડશે તો મીઠાનો તૈયાર પાક પાણીમાં બરબાદ થવાની ભીતિ વ્યક્ત કરવામાં
આવી છે. નાના અગરિયાઓને હાલ માત્ર 20 લિટર ડીઝલ મળે છે, જ્યારે જરૂરિયાત 500 લિટરથી
વધુ છે. સરકાર તાત્કાલિક પગલાં ભરી અગરિયા સમુદાયને પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરાવે તેવી
માગ ઉઠી છે.