• ગુરુવાર, 14 મે, 2026

કોલસામાંથી ગેસ બનાવશે સરકાર !

કેન્દ્રીય કેબિનેટમાં 37500 કરોડની કોલ ગેસીફિકેશન સ્કીમને મંજૂરી : અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ ડબલ લાઈન રેલ પરિયોજના પણ મંજૂર

નવી દિલ્હી, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર માદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ, ઊર્જા, રેલવે અને એરપોર્ટ સંબંધિત ચાર નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટમાં 14 ખરીફ પાકમાં એમએસપીમાં વૃદ્ધિ કરવામાં આવી છે અને તેના માટે 2.60 લાખ કરોડ રૂપિયા મંજૂર થયા છે. આ ઉપરાંત કોલસામાંથી ગેસ બનાવવાની કોલ ગેસીફિકેશન યોજના માટે 37500 કરોડ મંજૂર થયા છે. આ યોજના હેઠળ ઘરેલુ સ્તરે કોલસામાંથી ગેસ બનાવવામાં આવશે અને આયાત ઉપરની નિર્ભરતા ઘટાડવાનો હેતુ છે. વધુમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઈન રેલ પરિયોજના મંજૂર થઈ છે. જે ભારતની પ્રથમ યોજના છે અને ભવિષ્યમાં અન્ય યોજનાઓ માટે મોડેલ તરીકે કામ કરશે.

કેન્દ્રીય કેબિનેટે 2026-27ની સીઝન માટે ખરીફ પાકના એમએસપી માટે 2.60 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેનો હેતુ કિસાનોને મજબૂત આર્થિક સહાય આપવાનો છે. એમએસપીને કૃષિ પડતર અને મૂલ્ય આયોગની ભલામણોના આધારે નક્કી કરવામાં આવી છે. મંત્રીમંડળે 2026-27 માટે 14 ખરીફ પાકના એમએસપીમાં વૃદ્ધિને મંજૂરી આપી હતી. જેમાં તલ, કપાસ, સુરજમુખીના બી, મગ, અડદ, મગફળી, સોયાબીન નાઈજર સીડ, બાજરો વગેરે સામેલ છે.

કેન્દ્રીય કેબિનેટે 37500 કરોડ રૂપિયાની પડતરના કોલ ગેસીફિકેશન યોજનાને મંજૂરી આપી છે.આ યોજનાનો હેતુ ભારતના આયાત કરાતા પ્રાકૃતિ ક ગેસ, મેથનોલ અને એમોનિયા ઉપરની નિર્ભરતા ઘટાડવાનો છે. સાથે જ ઘરેલૂ કોલસા ભંડારોનો વધારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. આ યોજનાનું લક્ષ્ય 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાના ગેસીફિકેશનની ક્ષમતા મેળવવાનો છે અને તેનાથી સાર્વજનિક અને ખાનગી બન્ને ક્ષેત્રની પરિયોજનાઓ માટે આર્થિક પ્રોત્સાહન આપશે.

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે કોલ ગેસીફિકેશન સ્કીમ હેઠળ કોલસાને ગેસમાં બદલ્યા બાદ ગેસનો ઉપયોગ ત્રણ મોટા કામ માટે કરવામાં આવશે. જેમાં ખેતી માટે યૂરિયા અને અન્ય ખાતર બનાવવા, વીજળી-પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડીને વિજળી પેદા કરવામાં તેમજ અલગ અલગ પ્રકારના ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ બનાવવામાં ઉપયોગ થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કોલસાનું ગેસીફિકેશન કરવાથી બીજા દેશો ઉપરની નિર્ભરતા ઘટશે.

આ ઉપરાંત રેલવે મંત્રાલયની અમદાવાદ (સરખેજ)-ધોલેરા હાઈ સ્પીડ ડબલ લાઈન રેલ પરિયોજના મંજૂર કરવામાં આવી છે. અંદાજીત 20,667 કરોડ રૂપિયાની પડતરની આ યોજના ભારતની પહેલી સેમી હાઈ-સ્પીડ રેલ પરિયોજના હશે. સરકાર અનુસાર આ પ્રેજેક્ટ દેશભરમાં સેમી હાઈ સ્પીડ નેટવર્ક વિસ્તારના મોડેલ તરીકે કામ કરશે. જ્યારે નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટના આધુનિકીકરણને પણ લીલીઝંડી મળી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક