• ગુરુવાર, 14 મે, 2026

જૂનાગઢમાં વેપારીના પત્નીનું ગળું કાપી નિર્મમ હત્યા

મહિલાના શરીર પર રહેલા સોનાના દાગીના અને ઘરમાં રાખેલી તિજોરીની વસ્તુઓ સંપૂર્ણપણે અકબંધ છે,રહસ્ય ઘેરાયું

જુનાગઢ,તા.13:જૂનાગઢના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં ગત મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારી રમેશભાઈ રાયજાના 59 વર્ષીય પત્ની સુનિતાબેન જ્યારે ઘરમાં એકલા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર વડે તેમનું ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી હતી. ઘટના સમયે પરિવારના સભ્યો દુકાને તથા બહારગામ ગયા હતા. પડોશીએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

આ હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી, કારણ કે મૃતક મહિલાના શરીર પર રહેલા સોનાના દાગીના અને ઘરમાં રાખેલી તિજોરીની વસ્તુઓ સંપૂર્ણપણે અકબંધ છે. લૂંટ કે ચોરીનો કોઈ ઈરાદો ન જણાતા હત્યા પાછળનું કારણ એક ઘેરા રહસ્યમાં ફેરવાયું છે. મૃતકના પુત્ર દિલીપભાઈની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ અધિકારી પી.આઇ. એ.બી. ચૌધરીના જણાવ્યા મુજબ, મકાનના ઉપરના ભાગે રહેતો અને ઘરમાં કામ કરતો એક નેપાળી પરિવાર ઘટના બાદથી જ ગુમ થઈ ગયો છે. આ પરિવારે ગઈકાલે અન્ય એક મહિલાને કામ પર મોકલી હતી, જેથી પોલીસને તેમના પર મુખ્ય શંકા છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને ટૂંક સમયમાં જ આ રહસ્ય પરથી પડદો ઊંચકવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક