સળંગ
ચાર હાર સહન કરનાર પંજાબ સામે બોલિંગ-ફિલ્ડિંગ સુધારવાનો પડકાર
ધર્મશાલા,
તા.13 : પાછલા ચાર મેચમાં સળંગ ચાર હાર સહન કરનાર પંજાબ કિંગ્સ ટીમ આઇપીએલ-2026 સીઝનના
નિર્ણાયક તબક્કે દબાણમાં આવી ગઈ છે. પોતાના અભિયાનને જો ફરી ટ્રેક પર લાવવું હશે તો
શ્રેયસ અય્યરની ટીમે ગુરુવારે અહીં રમાનાર મુંબઈ ઇન્ડિયન્સ સામે હર હાલમાં જીત હાંસલ
કરવી પડશે. આ માટે પીબીકેએસ ટીમે તેની બોલિંગ અને ફિલ્ડિંગ સુધારવી પડશે. બીજી તરફ
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફ દોડ સમાપ્ત થઈ ચૂકી છે. તેનો ઇરાદો પંજાબનો ખેલ બગાડી સન્માનજનક
વિજયનો હશે. આ માટે તેના બોલર્સે પંજાબના બેટધરો પર લગામ કસવી પડશે.
સીઝનના
પ્રારંભે શાનદાર દેખાવ કરનાર પંજાબ કિંગ્સનો વિજય રથ અચાનક થંભી ગયો છે અને ઉપરાઉપરી
ચાર હારથી ખેલાડીઓ હતપ્રભ છે. એક સમયની ટેબલ ટોપર પીબીકેએસ હવે પ્લેઓફમાં પહોંચવા સંઘર્ષ
કરી રહી છે. તેના હાથમાં 3 મેચ બાકી રહ્યા છે. જેમાંથી બે મેચમાં તો હરહાલમાં જીત જરૂરી
છે. આઇપીએલની પ્રકૃતિ એવી છે કે ભાગ્ય જલ્દીથી પલટી જાય છે. જે પંજાબ ટીમ સાથે થયું
છે. કપ્તાન શ્રેયસ અય્યર સ્વીકારી ચૂક્યો છે કે આ સ્થિતિ માટે ટીમ ખુદ જવાબદાર છે.
પંજાબની નબળાઈ તેની ફિલ્ડિંગ અને બોલિંગ છે. ફિલ્ડરો સતત કેચ છોડી રહ્યા છે અને અર્શદીપ
એન્ડ કંપની રન લૂંટાવી રહ્યા છે. એમઆઇ સામે આ બે વિભાગમાં પંજાબે સુધારો કરવો પડશે.
અન્યથા વધુ એક હાર સહન કરવાનો વારો આવશે.
મુંબઈ
ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ પૂરી સીઝનમાં ઝમકદાર દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે. હવે
બાકીના 3 મેચમાં તેમની પાસે સારા દેખાવની તક બની રહેશે. ટીમને રોહિત શર્મા અને રિયાન
રિકલટન પાસેથી પાવરપ્લેમાં તોફાની શરૂઆતની આશા રહેશે. કપ્તાન હાર્દિક પંડયા અને સૂર્યકુમારનું
આ મેચમાં રમવું શંકાસ્પદ માનવામાં આવે છે.