• બુધવાર, 13 મે, 2026

પાકિસ્તાન સામેના ટેસ્ટમાં બાંગલાદેશનો 104 રને વિજય 268 રનના વિજય લક્ષ્યાંક સામે પાક. ટીમ 163 રનમાં ઢેર

મિરપુર, તા.12 : પાકિસ્તાન સામેના પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશનો 104 રને યાદગાર વિજય થયો છે. આથી બે ટેસ્ટની શ્રેણીમાં બાંગલાદેશ ટીમ 1-0થી આગળ થઈ છે. આ શ્રેણી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. 268 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન ટીમ આજે મેચના આખરી દિવસે ચાના સમય પછી પ2.પ ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ હતી. નાહિદ રાણાએ કાતિલ બોલિંગ કરીને 40 રનમાં પ વિકેટ ઝડપી હતી. જ્યારે તસકીન અહમદ અને તૈઝૂલ ઇસ્લામને 2-2 વિકેટ મળી હતી. પહેલા દાવમાં 101 અને બીજા દાવમાં 87 રન કરનાર બાંગલાદેશનો કપ્તાન નઝમૂલ શાંતો પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

268 રનના લક્ષ્યનો પીછો કરી રહેલ પાકિસ્તાન તરફથી પહેલો મેચ રમી રહેલ અબ્દુલ્લાહ ફઝલે 66 રનની લડાયક ઇનિંગ રમી હતી. કપ્તાન શાન મસૂદ2, ઇમામ ઉલ હક 2, પહેલા દાવમાં સદી કરનાર અજાન અવૈસ 1પ, સલમાન આગા 26 અને મોહમ્મદ રિઝવાન 1પ રને આઉટ થયા હતા.

આ પહેલાં આજે બાંગલાદેશે તેનો બીજો દાવ 9 વિકેટે 240 રને ડિક્લેર કર્યો હતો. જેમાં કપ્તાન નઝમૂલ શાંતોના 87, મોમિનૂલ હકના પ7 અને મહેંદી હસન મિરાજના 24 રન મુખ્ય હતા. પાક. તરફથી હસન અલી અને નોમાન અલીને 3-3 વિકેટ મળી હતી. બાંગલાદેશના પહેલા દાવમાં 413 રન થયા હતા. જવાબમાં પાક. ટીમના 386 રન થયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક