• બુધવાર, 13 મે, 2026

મોદીની અપીલ ઇફેક્ટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે બસ- ટ્રેનમાં કરશે મુસાફરી

રાજ્યપાલે પ્રોટોકોલને મુક્યા બાજુ પર: કાફલામાં હશે ન્યૂનતમ ગાડીઓ

પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરીને સાદગીનો દાખલો બેસાડતા આરોગ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ,તા.12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મે, 2026ના રોજ હૈદરાબાદમાં સંબોધનમાં ભારતને સશક્ત બનાવવા માટે આર્થિક આત્મરક્ષાનો મંત્ર આપતાં સાત વિશેષ અપીલ કરી હતી. વડાપ્રધાનના આ આહ્વાનને શિરોધાર્ય કરીને, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને અનેક પ્રેરણાદાયી નિર્ણયો લીધા હતા. આ બેઠકમાં લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, ગૃહ નિયામક એ.કે. જોશી, એડીસી શુભમ કુમાર સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિર્ણય લીધો કે, જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી રાજ્યની અંદરના કોઈપણ કાર્યક્રમ માટે તેઓ હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીનો ઉપયોગ કરશે નહીં તેના બદલે તેઓ રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, એસ.ટી. બસો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી છે, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે. રાજ્યપાલે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને  નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે. સાથે જ, તેમણે પ્રશાસનના તમામ અધિકારીઓ-કર્મચારીઓને પણ નિર્દેશ આપ્યા છે કે તેઓ સરકારી કામોમાં બિનજરૂરી વાહનોનો ઉપયોગ બંધ કરે અને ઇંધણ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ વડાપ્રધાનની અપીલને સહર્ષ સ્વીકારી રાષ્ટ્રહિતમાં એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે તેઓએ પોતાની પાયલોટીંગ કારનો ઉપયોગ બંધ કરીને સાદગીનો દાખલો બેસાડયો છે. તેઓએ જણાવ્યું છે કે, આજથી મારી સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરુ છુ. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલમાં ઉપયોગ કરવામાં કરીશ તે અંગે હુ ખાતરી આપું છું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક