• બુધવાર, 13 મે, 2026

મેટામાં મોટી છટણી : 8000 કર્મચારીને કરશે છુટ્ટા AIની આડઅસરનો વધુ એક મોટો દાખલો

નવીદિલ્હી, તા.12 : પશ્ચિમ એશિયાનાં સંકટને કારણે વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ ચરમસીમાએ છે. બીજી તરફ દુનિયાના ટેક ક્ષેત્રમાં એઆઇનાં કારણે લોકોની નોકરીઓ ઉપર કરવત ફરવા લાગી છે. ફેસબુકની પેરેન્ટ કંપની (પિતૃ કંપની) મેટા 20 મેના રોજ પોતાના 8,000 કર્મચારીઓની છંટણી કરવા જઈ રહી છે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) માર્ક ઝુકરબર્ગ હવે મેટાની નાની અને એઆઇ સંચાલિત ટીમો આસપાસ ફરીથી પુન:રચના કરી રહ્યા છે. તાજેતરમાં પ્રથમ ત્રિમાસિક પરિણામો દરમિયાન ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું હતું કે, કંપની માત્ર એવા કર્મચારીઓને જ રાખવા માગે છે જે એકલા જ મોટા પ્રોજેક્ટ્સ સંભાળવાની ક્ષમતા ધરાવતા હશે.

ઝુકરબર્ગનું માનવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાધનોની મદદથી હવે એક કે બે લોકો એક અઠવાડિયામાં તે કામ કરી રહ્યા છે, જેને પૂર્ણ કરવા પહેલાં ડઝનબંધ એન્જિનિયરોને મહિનાઓ લાગી જતા હતા. આ બદલાવને ધ્યાનમાં રાખીને કંપની પોતાની ટીમોને નાની અને વધુ ઉત્પાદક બનાવી રહી છે. ઝુકરબર્ગ અનુસાર, આ નિર્ણય માત્ર ખર્ચ ઘટાડવા માટે નથી પરંતુ મેટાને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાનો એક માળખાકીય વિકલ્પ છે. કંપનીમાં હવે અલ્ટ્રાફ્લેટ માળખું અમલમાં મૂકવામાં આવી રહ્યું છે, જ્યાં 50 એન્જિનિયરો પર માત્ર એક મેનેજર કામ કરી રહ્યો છે.

મેટા આ વર્ષે પોતાના બુનિયાદી ઢાંચમાં ખાસ કરીને ડેટા સેન્ટર, કસ્ટમ ચિપ્સ અને એઆઇ મોડલ ટ્રાનિંગ પર 125થી 145 અબજ ડોલર જેટલો વિક્રમી મૂડી ખર્ચ કરી રહી છે. કંપનીની મુખ્ય નાણાકીય અધિકારી સુસાન લીએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણો થઈ ગયો છે, જેનાં કારણે કર્મચારીઓના વેતન અને કંપનીના બજેટ વચ્ચે અસંતુલન સર્જાયું છે. આ અસંતુલન દૂર કરવા માટે 20 મેની છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક