પેપર લીકના વિવાદ વચ્ચે પરીક્ષા રદ : CBIને તપાસનો દોર : અનેકની ધરપકડ
નેશનલ
ટેસ્ટિંગ એજન્સીની જાહેરાતથી લાખો પરીક્ષાર્થી નિરાશ : નવી પરીક્ષાની તારીખો ટૂંકમાં
થશે જાહેર : વિપક્ષ આક્રમક
નવી
દિલ્હી, તા. 12 : તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ મહિને જ લેવાયેલી નીટ (યુજી)
2026 પરીક્ષાને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા રદ કરી દેવાતાં લાખો પરીક્ષાર્થીઓ
અને વાલીઓને મોટો આંચકો અપાયો છે. પેપર લીકના આક્ષેપો વચ્ચે એનટીએએ પરીક્ષા રદ કરવાનો
મોટો નિર્ણય લીધો હતો. એનટીએએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રીજી મેના લેવામાં
આવેલી નીટ-યુજી પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે,
નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નીટમાં
‘અનિયમિતતાઓ’ની સીબીઆઇ તપાસની ઘોષણા કરી હતી. વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર નિશાન
સાધી સવાલો ઉઠાવ્યા હતા.
એનટીએએ
‘એક્સ’ પર નિવેદનમાં જણાવ્યું હતું કે, પારદર્શિતા જાળવવા અને રાષ્ટ્ર પરીક્ષા પ્રણાલીમાં
વિશ્વાસ જાળવવાનાં હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે,
10મી મેની પ્રેસરિલીઝના ક્રમમાં પરીક્ષા રદનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું
હતું કે, આઠમી મેના પરીક્ષાથી જોડાયેલા મામલાઓની સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી
માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી, તે પછી કેન્દ્રીય તપાસ એજન્સીઓ તરફથી
મળેલા અહેવાલ અને તપાસ હેવાલની સમીક્ષા કરવામાં આવી હતી.
નીટ-યુજી
પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરતાં એજન્સીએ ઉમેર્યું હતું કે, નવી તારીખો, એડમિટ કાર્ડ
બહાર પાડવાનું શિડયુલ અને અન્ય જાણકારીઓ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર
માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. એનટીએએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકોને માત્ર સત્તાવાર
માહિતી પર ભરોસો કરવાનો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય
છે કે, નીટ પેપર લીક મામલામાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ અત્યાર
સુધીમાં 45થી વધુ લોકોની ધરપકડ કરી છે. અનેક રાજ્યોમાં આ સંદર્ભે તપાસ અને દરોડાની
કામગીરી ચાલી રહી છે.
નીટ
પરીક્ષામાં આ વખતે દેશભરમાંથી આશરે 22 લાખ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ વખતે વિવાદ
કથિત ગેસ પેપરથી જોડાયેલો છે, જેના સંદર્ભે
એનટીએ પર સવાલ ઊઠી રહ્યા છે. દાવા મુજબ પરીક્ષાથી પહેલાં વિદ્યાર્થીઓ પાસે એક ગેસ પેપર
પહોંચ્યું હતું, જેમાં સમાવિષ્ટ 720માંથી આશરે 600 માર્કસના સવાલ અસલી પરીક્ષાથી મેળ
ખાઇ રહ્યા હતા.
તપાસ
એજન્સીઓને આશંકા છે કે, પરીક્ષાથી માત્ર બે દિવસ પહેલાં જ કથિત પેપર કેટલાક વિદ્યાર્થીઓ
પાસે પહોંચાડવામાં આવ્યું હતું. આરંભિક તપાસમાં સંકેત મળ્યા છે કે, પ્રશ્નપત્રના
600 ગુણના પ્રશ્નો કથિત પેપરથી મેળ ખાતા હતા. તપાસથી જોડાયેલાં સૂત્રો મુજબ કથિત ક્વેશ્ચન
બેંકની લિંક એક યુવકથી જોડાઇ રહી છે, જે હાલમાં કેરળની એક મેડિકલ કોલેજમાં એમબીબીએસનો
અભ્યાસ કરી રહ્યો છે.