• મંગળવાર, 12 મે, 2026

મનાલીમાં કાર ખાઈમાં પડતા ભાવનગરના એક જ પરિવારના પાંચ સહિત છનાં મૃત્યુ

-ફતનાની પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો : સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ, પત્ની, પુત્રી, જમાઈ અને પૌત્રએ જીવ ગુમાવ્યો : ચારની હાલત ગંભીર

ભાવનગર તા.11: હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત એક જ પરિવારના પાંચ સભ્યો તેમજ હિમાચલના કાર ડ્રાઈવર મળી છ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની  પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 28 પર તેમની કારના ચાલકે અચાનક સ્ટીઅરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રસ્તા પરથી નીચે ઉતરી ઊંડી ખાઈમાં ખાબકી હતી. કાર ખાઈમાં પડતા જ જોરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ચંબાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વિજયકુમાર સકલાનીએ જણાવ્યું હતું કે ભારે દરસાદ દરમિયાન માટી લપસણી થઈ હોવાથી કાર ચાલકે કાબુ ગુમાવતા ખાઈમાં પડી હોવાનુ અનુમાન છે. વધુ તપાસ ચાલુ છે.

 બનાવની જાણ થતા જ ભાવનગર સિંધી સમાજના અગ્રણી અને સિન્ધુ સેનાના પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ચંદાણી હરકતમાં આવ્યા હતા. તેઓએ તાત્કાલિક હિમાચલ પ્રદેશના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. કમલેશભાઈ હાલ સતત સંપર્કમાં રહીને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે અને મૃતકોના પાર્થિવ દેહને વહેલી તકે ભાવનગર લાવવામાં આવે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. આ ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને અનેક અગ્રણીઓએ આ દુ:ખદ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી પરિવાર પર આભ તુટી પડયું

આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુ તેમજ ડ્રાઈવર જસવંતકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મૃત્યુના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બાળક, બાળકી સહિત ચાર સારવારમાં

દુર્ઘટનામાં ઘાયલ થયેલા 4 સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિકો અને વહીવટી તંત્રની મદદથી રેસ્ક્યુ કરી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક