તામિલનાડુનું રાજ્યગીત પણ વંદે માતરમ પછી નહીં વગાડવાનો આગ્રહ વિધાનસભામાં રાખ્યો
નવી
દિલ્હી, તા.12: તામિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી પ્રથમ સંબોધનમાં
ડીએમકેના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ અંગે મોટું વિવાદાસ્પદ નિવેદન
આપ્યું છે. વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે, લોકોને વિભાજિત કરતાં સનાતનને
સમાપ્ત કરી દેવો જોઈએ.
ઉદયનિધિ
સ્ટાલિને પોતાના સંબોધનમાં રાજકીય શિસ્ત અને સહકારની પણ વાત કરી હતી અને નવા મુખ્યમંત્રીને
શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આવો સૌહાર્દ વિધાનસભાની અંદર પણ જોવા મળવો
જોઈએ.
વિધાનસભામાં
તેમણે તમિલનાડુ રાજ્યગીત અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, વિરોધ
પક્ષોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે કે રાજ્યગીત વંદે માતરમ પછી વગાડવામાં આવ્યું
હતું. ઉદયનિધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના શપથવિધિ સમારંભનું ઉદાહરણ આપતા કહ્યું
કે ત્યાં વંદે માતરમ વગાડવામાં આવ્યું નહોતું અને સૌ જાણે છે કે ત્યાંના રાજ્યપાલ કોણ
છે. તેમણે સરકાર પાસે માંગ કરી કે ભવિષ્યમાં તમિલનાડુના રાજ્યગીતને ક્યારેય બીજા સ્થાન
પર ન રાખવામાં આવે.
ઉદયનિધીની
ટિપ્પણીઓની ભાજપે તરત જ ટીકા કરી હતી. પક્ષના પ્રવક્તા સીઆર કેશવને તેને ઝેરી ભાષણ
ગણાવ્યું અને કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના રાહુલ ગાંધી છે, જે વિભાજનકારી
અને દ્વેષપૂર્ણ રાજકારણ ફેલાવી રહ્યા છે.
ઉદયનિધિ
અગાઉ પણ આવી ટિપ્પણીઓ કરી ચૂક્યા છે અને તેમને માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ અદાલત
તરફથી પણ કડક ટીકા સહન કરવી પડી છે. આ વર્ષે 21 જાન્યુઆરીએ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ
બેન્ચે 20 જાન્યુઆરીએ તિરુચિ શહેર પોલીસ દ્વારા ભાજપના નેતા અમિત માલવીય સામે નોંધાયેલી
એફઆઈઆર રદ કરી હતી. આ એફઆઈઆર તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધી સ્ટાલિનની સનાતન ધર્મ
અંગેની ટિપ્પણીઓને કથિત રીતે વિકૃત કરીને રજૂ કરવાનો આરોપ લગાવીને નોંધવામાં આવી હતી.