• મંગળવાર, 12 મે, 2026

હાઇ કોર્ટમાં પેન્ડિંગ જામીન અરજીઓ ઉપર સુપ્રીમે વ્યક્ત કરી ચિંતા

- દરેક અરજીને સુનાવણી માટે નિશ્ચિત તારીખ મળે અને લિસ્ટિંગ માટે ઓટોમેટિક પ્રણાલી સહિતના દિશાનિર્દેશો આપ્યા

નવી દિલ્હી, તા. 11 : દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હાઇ કોર્ટમાં પેન્ડિંગ જામીન અરજીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અદાલતે કહ્યું હતું કે જામીનના કેસમાં સુનાવણી અને લિન્ડિંગમાં સતત થઈ રહેલો વિલંબ ન્યાય વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતમાં થયેલી ટિપ્પણીને કોઈપણ હાઇ કોર્ટ ઉપર ટિપ્પણી ન સમજીને ન્યાય પ્રણાલીને પ્રભાવી બનાવવાના હેતુ તરીકે સ્વીકારવામાં આવે.

કોર્ટે દિશાનિર્દેશ જાહેર કરતા કહ્યું હતું કે જામીનના કેસનું લિસ્ટિંગ સાપ્તાહિક, પખવાડિયાના આધારે સ્વચાલિત સોફ્ટવેર પ્રણાલીથી કરવામાં આવે. પહેલી સુનાવણીથી પહેલા સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવો અનિવાર્ય બને. જામીન અરજીની એક કોપી એડવોકેટ જનરલ અથવા સરકારી એજન્સીઓને આપવામાં આવે. વધુમાં નવી જામીન અરજીઓને વૈકલ્પિક દિવસોમાં અથવા તો વધુમાં વધુ અઠવાડિયાની અંદર સૂચિબદ્ધ કરવામાં આવે.

અદાલતે કહ્યું હતું કે, જે કેસની સુનાવણી ન થઈ શકે તેનું સ્વત: ફરીથી લિસ્ટિંગ થવું જોઈએ. જામીન અરજીઓના નિકાલ માટે મહત્તમ સમયસીમા નક્કી કરવા પણ આદેશ અપાયો હતો. આ ઉપરાંત સરકારી વકીલો તરફથી કારણ વિના સુનાવણી ટાળવાની માગણીઓ ન કરવામાં આવે તેવો માહોલ બનાવવા નિર્દેશ અપાયો હતો. આ સુનાવણી સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠ દ્વારા કરવામાં આવી રહી હતી. પહેલાં સુપ્રીમ કોર્ટે તમામ હાઇ કોર્ટમાંથી પેન્ડિંગ જામીન અરજીઓનું વિવરણ માગ્યું હતું. પીઠે કહ્યું હતું કે મોટાભાગની હાઇ કોર્ટ દ્વારા જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક