પોરબંદર, તા.6: પોરબંદરના કોલીખડાથી ખાપટ તરફ જતા રસ્તે શાળાએ પરીક્ષા આપવા જઈ રહેલ પહેલા ધોરણના વિદ્યાર્થીનું રિક્ષા પલટી જવાને લીધે કરુણ મૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરની
ખાનગી પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ છે ત્યારે પહેલા જ દિવસે પરીક્ષા આપવા જતો
પહેલા ધોરણનો વિદ્યાર્થી સાત વર્ષનો ધ્રુવ કિશોરભાઈ ભૂવા તેના સંબંધીની રિક્ષામાં જ
જ્યુબેલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં પરીક્ષા આપવા જતો હતો અને કોલીખડા તથા ખાપટ
વચ્ચે અચાનક જ કોઈ પશુ આડે ઉતરતા રિક્ષા ચાલકે જોરદાર બ્રેક મારતા રિક્ષા પલટી ખાઈ
ગઈ હતી જેમાં ધ્રુવ ભૂવા નામના આ માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. તેના
મૃતદેહને ભાવસિંહજી હોસ્પિટલે લવાતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
પરીક્ષા માટેની વસ્તુઓ રોડ પર
લોહીમાં રગદોળાઈ
ધ્રુવ ભૂવા નામનો બાળક પહેલા
ધોરણમાં હતો અને પહેલું જ પેપર હતું તેથી પરીક્ષા આપવા હોંશે હોંશે જતો હતો. રિક્ષા
પલટી ગઈ ત્યારે તેનો પરીક્ષાનો સામાન રોડ ઉપર લોહીમાં રગદોળાઈ ગયો હતો. દૃશ્યો જોતા
જ ભારે કમકમાટી છૂટે તેવું જણાતું હતું.