સુરત, તા. 4 : સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય ગેંગને સેવીંગ તથા કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડી દેશ જુદા જુદા રાજ્યોમાં લોકો સાથે છેતરાપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી આ ખાતાઓના ઉપયોગથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતી હતી. આ મામલે ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની કડી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન બહાર આવ્યુ કે આ ગેંગ દ્વારા દેશભરમાં આશરે રૂ. 47.44 કરોડનો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, ભાવેશ શિંદે અને હરીશ ચૌધરી નામના શખસો પોતાના સાગરીતો સાથે મળીને એક મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના સાવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવતી હતી. એકાઉન્ટ ખુલ્યા બાદ, તેની ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ કિટ્સ અને સીમકાર્ડ સીધા દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાંથી સાયબર ગુનેગારો ઓનલાઇન છેતરાપિંડીના નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. જેના આધારે પોલીસે દરોડો પાડી ભાવેશ મનોજભાઈ શિંદે (ઉં.22)ને ઝડપી પાડયો છે.
પોલીસ
તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ભાવેશ મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને બીએસસી
સુધીનો અભ્યાસ કરી રહ્યો છે, તે આ ગેંગમાં કેશ કલેક્ટર તરીકે કામ કરતો હતો. જ્યારે
સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતાઓમાં જમા થતા, ત્યારે અલગ-અલગ લોકો દ્વારા તે રકમ એટીએમ
કાર્ડથી વિડ્રો કરવામાં આવતી હતી. ભાવેશનું કામ આ તમામ રકમ એકત્રિત કરી સૂત્રધાર હરીશ
ચૌધરી સુધી પહોંચાડવાનું હતું.
બાતમીના
આધારે પોલીસે ડિંડોલીના કૈલાસ પેલેસમાં રહેતા ભાવેશ શિંદેના ઘરે દરોડો પાડ્યો હતો.
ત્યારબાદ ફરાર આરોપી હરીશ ચૌધરીના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન
પોલીસને હરીશના ઘરેથી રૂ. 18.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. ઉપરાંત ગુનામાં વપરાતા
9 મોબાઈલ ફોન, કેશ કાઉન્ટિગ મશીન અને જેટલા
સીમકાર્ડ પણ પોલીસે જપ્ત કર્યા છે.