• શનિવાર, 04 એપ્રિલ, 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 14મીએ ગુજરાતના મહેમાન બનશે

13મીએ રાત્રે રાજભવન ખાતે આગમન, 15મી સવારે દિલ્હી રવાના થશે

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.3 : ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મૂ આગામી 14મી એપ્રિલના રોજ ગુજરાતના મહેમાન બનશે. છેલ્લા છ મહિનાની અંદર તેઓ બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ 13મી એપ્રિલે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચશે અને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ 14મી એપ્રિલે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીએ રાજભવનમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ગુજરાત પ્રવાસની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર થઇ નથી. 

મહત્વનું છે કે, તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના 25 જિલ્લાઓનો પ્રાવાસ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતી સહિતનો પ્રચાર કર્યો હતો. રાજ્યપાલે અનુસૂચિત જાતિના લોકો સાથે મુલાકાત પણ કરી હતી. બિનસત્તાવાર માહિતી મુજબ રાજભવન ખાતે રાજ્યના અનુસૂચિત જાતિના લોકોનું 14મી એપ્રિલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતીએ રાષ્ટ્રપતિના હાથે સન્માન કરવામાં આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2025માં રાષ્ટ્રપતિ ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં હતાં જ્યાં તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ ઉપરાંત સાસણ ગીર ખાતે સિંહદર્શન કર્યું હતું અને દ્વારકાધીશ મંદિરે પણ દર્શન કર્યા હતા. ફરી તેઓ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રપતિ રાજભવન ખાતે તેઓ બે રાત્રીનું રોકાણ કરશે અને 15મી એપ્રિલે સવારે તેઓ નવી દિલ્હી પરત ફરશે, એવી માહિતી મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક